Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીનાં સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગનાં કલાર્ક સહિત ત્રણને લાંચ લેતાં ઝડપાયા

  • September 18, 2024 

સુરેન્દ્રનગરમાં એ.સી.બી.એ એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગના કલાર્ક સહિત કુલ ત્રણને લાંચ લેતાં ઝડપી લીધા હતા. આ બંને ટ્રેપ એ.સી.બી.નાં રાજકોટ અને ભાવનગર એકમ દ્વારા ગોઠવવામાં આવી હતી. એ.સી.બી.નાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના સંબંધીએ નવાગામ સર્વે નં.૬પની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. જે જમીનની ગામ નમુના નં.૬માં નોંધ કરાવવાના બદલામાં ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીજ્ઞોશ હરિભાઈ પાટડીયાએ રૂપિયા ૧ લાખની લાંચ માંગી હતી. રકઝકનાં અંતે રૂપિયા ૪૦ હજાર લેવાનું નકકી કર્યું હતું.


પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. જેના આધારે એ.સી.બી.નાં ભાવનગર એકમના પીઆઈ આર. ડી.સગરે ટ્રેપ ગોઠવી આરોપી જીજ્ઞોશભાઈને તેની જ ચેમ્બરમાંથી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. બીજા કેસમાં સુરેન્દ્રનગરના ખાણ ખનિજ વિભાગના નાકા ક્લાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.૫૫) અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ હીરાભાઈ ઝાલા (ઉ.વ.૪૭)ને એ.સી.બી.એ રૂપિયા ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ તપાસ આગળ ધપાવી હતી. એ.સી.બી.નાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના ત્રણ ડમ્પર ખનિજ વહન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે.


જેથી લીંબડી પાસેના કટારિયા ગામના બોર્ડ પાસે આવેલી ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટના નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશે ફરિયાદી પાસેથી એન્ટ્રીનાં અને હેરાનગતિ નહીં કરવાના બદલામાં એક ડમ્પર દીઠ રૂપિયા ૫૦૦ લેખે રૂપિયા ૧૫૦૦ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂપિયા ૧૦૦૦ લેવા માટે તૈયાર થઇ ગયા હતા. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી રાજકોટ વિભાગના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહીલ પાસે ફરિયાદ કરી હતી. જેથી પી.આઈ., એમ.એમ.લાલીવાલાએ ટ્રેપ ગોઠવી હતી. નક્કી થયા બાદ મુજબ ફરિયાદી ખાણ ખનિજ વિભાગની ચેક પોસ્ટે પહોંચ્યા હતા. જ્યાં નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ રૂપિયા ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતાં. બંને આરોપીઓ સામે એ.સી.બી.એ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application