સુરતનાં ઓલપાડ તાલુકાનાં પરીઆ ગામની સીમમાં આવેલ ઈન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી કોમ્પ્યૂટર સેટની ચોરી કરનારા બે આરોપીઓને ગોથાણ રોડ પરથી રૂ.૧,૪૦,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે બે દિવસમાં જ ઝડપી ઓલપાડ પોલીસને હવાલે કર્યા હતા. આ ગુન્હામાં સંડોવાયેલો વધુ એક શખ્સ હજુ ફરાર હતી. મળતી માહિતી મુજબ, સુરત શહેરના ઉત્રાણમાં રહેતા મૂળ રાજકોટ જિલ્લાના ગૌરવ રૂપારેલીયાની પરીઆ ગામની સીમમાં અંજની ટેક્સ્ટાઇલ પાર્કમાં સનસાઈન મેડીટેક કંપનીની ઓફિસમાંથી ગત તા.૨૧ ફેબ્રુઆરીની મધરાત બાદ ૧:૩૦થી ૨:૩૧ વાગ્યે ત્રણ તસ્કરોએ રૂ.૫૫,૦૦૦ની કિંમતના કોમ્પ્યૂટર સેટ સહિત અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
આ મામલે ગૌરવ રૂપારેલીયાએ સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે કરેલી ફરિયાદના પગલે ગત તા.૨૫ના રોજ ઓલપાડ પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ચોરી ગુનાનો ભેદ ઉકેલવા ઓલપાડ પોલીસ સહિત સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે ગુરુવાર, તા.૨૭ના રોજ સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, આ ચોરી અજય પટેલ તથા રોકી ચૌધરી નામના શખ્સોએ કરી છે અને બંને ઈસમો હાલમાં ચોરીનો સામાનનો સોદો કરવા બાઈક પર નીકળ્યા છે. જેઓ ગોથાણથી સાયણ તરફ જનાર છે. જેથી પોલીસ ટીમે સાયણ-ગોથાણ રોડ ઉપર ઓમનગર નજીક વોચ ગોઠવી હતી.
ત્યાંથી બંને શખ્સો મોટરસાઈકલ ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોલીસે મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનો વતની અજય રમેશ પટેલ, (ઉ.વ.૨૩, રહે.રૂમ નં.૬૨૮, મહેક ઈન્ડસ્ટ્રિયલ રેસિડેન્સી વિભાગ-૨, સિવાણ) તથા આ રેસિડેન્સીના રૂમ નં-૬૩૨માં રહેતો મૂળ આણંદ જિલ્લાનો વતની રોકી ઓમપ્રકાશ ચૌધરી (ઉ.વ.૨૧)ને આંતરી દબોચી તેઓની પૂછપરછ કરતાં બંનેએ ચોરીની કબૂલાત કી હતી. આમ, પોલીસે બંને ઈસમોને ચોરીનો સામાન ક્યાં છુપાવ્યો છે તથા આ ગુનાના ત્રીજા આરોપી બાબતે પણ કડક પૂછપરછ કરતાં તેઓએ કહ્યું કે, ચોરી કરેલા કોમ્પ્યૂટર મશીનરી સેટનો સામાન ગોથાણ ગામે કચરાની ડમ્પિંગ સાઈટની બાજુના ઝાડી-ઝાંખરામાં સંતાડયો છે.
જ્યારે આ ગુનામાં વિજય દેવીપૂજક (રહે.રસુલાબાદ સોસાયટી, સાયણ) પણ સામેલ હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસની ટીમ બન્ને આરોપીઓ સાથે ડમ્પિંગ સાઈટ પહોંચી હતી અને રૂ.૫૫,૦૦૦ની કિંમતનો કોમ્પ્યૂટર સેટનો તમામ સામાન કબજે લીધો હતો. પોલીસે આરોપીની ૧ બાઈક કિંમત રૂ.૮૦,૦૦૦, ૧ મોબાઈલ કિંમત રૂ. ૫,૦૦૦ તથા અંગજડતીથી મળેલા રોકડા મળી કુલ રૂ.૧,૪૦,૪૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ ત્રણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બન્ને શખ્સોને ઓલપાડ પોલીસને સોંપી દીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500