અફઘાનિસ્તાનનાં પાટનગર કાબુલમાં આઈએસનાં આતંકીઓએ શિયા મુસ્લિમોને નિશાન બનાવીને બે હુમલા કર્યા હતા. આતંકવાદી હુમલામાં 8નાં મોત થયા હતા. જયારે 40 ઈજાગ્રસ્ત બન્યા હતા. હુમલાની જવાબદારી આઈએસે લીધી હતી. આઈએસે દાવો કર્યો હતો કે, હુમલામાં 20 લોકોનાં મોત થયા છે. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં આતંકવાદી સંગઠન આઈએસ મોટો ખતરો બની ગયું છે.
તાલિબાનની સરકાર પર આઈએસનાં આતંકવાદીઓ ભારે પડી રહ્યા છે. 2014થી અફઘાનિસ્તાનમાં સક્રિય આઈએસનો ત્રાસ અફઘાનિસ્તાનની સત્તા તાલિબાને સંભાળી ત્યારથી વધી ગયો છે. આઈએસનાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા છે. એવો જ એક હુમલો પશ્વિમી કાબુલના શિયા બહુમતી ધરાવતા સર-એ-કરેજ વિસ્તારની મસ્જિદ પાસે થયો હતો. એક કારમાં વિસ્ફોટકો ભરીને આઈએસનાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એ બોમ્બ બ્લાસ્ટમાં 8નાં મોત થયા હતા અને 18 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બીજો હુમલો અફઘાનિસ્તાન પાટનગર કાબુલમાં જ થયો હતો. પશ્વિમી વિસ્તારમાં જ્યાં શિયા મુસ્લિમોની બહુમતી છે ત્યાં આવેલા એક શોપિંગ મોલ પાસે આઈએસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એમાં 22 લોકોને ઈજા પહોંચી છે. હુમલાની જવાબદારી આઈએસનાં આતંકવાદીઓએ લીધી હતી. આઈએસનો દાવો છે કે, હુમલામાં 20 લોકો માર્યા ગયા છે. પરંતુ તાલિબાની સરકારના પ્રવક્તા ખાલિદ જાદરાને આઠનાં મોત થયાનું કહ્યું હતું. એ સિવાયના તમામની સારવાર ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500