વાપી નગરપાલિકા વિસ્તારના બાકીદારોને વેરો ભરવા હાલમાં નોટીસો આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત વાપીમાં કોપરલી રોડ ઉપર સાઈ મેજેસ્ટી કોમ્પલેક્સના ઓફિસધારક તથા વલસાડ રોડ ઉપર આવેલ રાજ એવન્યુ બિલ્ડિંગના દુકાનધારક તથા ડુંગરા એકતાનગરમાં ગોડાઉન માલિકને નોટિસો પાઠવવામાં આવી હતી.
બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 132 ની પેટા કલમ (3) હેઠળ 15 દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટીસ આપવામાં આવેલ હતી. બાકીદારોએ નોટીસની અવગણના કરી બાકી વેરાની રકમ ભરપાઈ ના કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપરિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્ષ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા તથા ઘરવેરા વિભાગની ટીમ દ્વારા મિલકતોને તાળાં મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં વાપીમાં કોપરલી રોડ ઉપર સાઈ મેજેસ્ટી કોમ્પલેક્સમાં ઓફિસ નં.217 તથા વલસાડ રોડ ઉપર આવેલ રાજ એવન્યુ બિલ્ડિંગમાં દુકાન નં.4 તથા ડુંગરા એકતાનગરમાં આવેલ ગોડાઉન મળી કુલ 3 મિલકતોને તાળાં મારવામાં આવેલ હતા. વાપી નગરપાલિકાએ ડિસેમ્બર-22 માસ સુધીમાં કુલ માંગણું રૂ.1726.79 લાખ સામે કુલ વસૂલાત રૂ.1262.51 લાખ મેળવીને 73.11 % વસૂલાત કરી લીધી છે.
નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રીબેટ અને દંડના નિયમોનુસાર ચાલુ વર્ષની બાકી વેરાની રકમ પર દંડનીય વ્યાજ વસૂલ કરવાનું શરૂ કરવામાં આવેલ છે. તા.1/10/2022 થી સને- 2022-23 ના રહેણાક/ વાણિજ્ય બાકી વેરા પર નિયમોનુસાર દંડનીય વ્યાજ વસૂલ કરવામાં આવી રહ્યું છે. જે દર માસમાં 1% વ્યાજ વધતું જશે અને માર્ચ-2023 સુધી 6% સુધી લાગશે. અને નાણાકીય વર્ષ 2022-23 પૂરું થતાં પાછલી બાકી રહેતી તમામ રકમ ઉપર કુલ 12% વ્યાજ લાગશે. મિલકત ધારકોને બાકી વેરો સમયસર ભરી દંડનીય વ્યાજ ભરવામાંથી મુક્તિ મેળવવા અપીલ કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500