સુરત શહેરનાં પીપલોદ ખાતે SVNIT કોલેજનાં કેમ્પસમાં સવારે ખાળકુવામાં ડ્રેનેજ લાઇનનું કામ માટે ઉતરેલા 15 વર્ષીય તરૂણ સહિત 3 વ્યકિતઓને ગુંગળામણ થયા બાદ તરૂણ સહિત બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા, એકની હાલત ગંભીર છે. નવી સિવિલ અને ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, ભટાર ચાર રસ્તા પાસે મહાદેવનાં મંદિર પાસે તળાવ ફળિયામાં રહેતો 15 વર્ષીય સત્યમ હરેન્દ્ર શાહ સહિતનાં વ્યકિતો ગતરોજ સવારે પીપલોદનાં ઇચ્છાનાથ ખાતે SVNIT કોલેજમાં કેમ્પસમાં સારાભાઇ ભવન નજીક ખાળકુવામાં ડ્રેનેજના કામ અર્થે ગયો હતો.
જ્યાં 15થી 17 ફુટ ઉંડા ખાળકુવામાં કામ માટે ઉતર્યા બાદ 42 વર્ષીય કાદિર ઈશાદાર સિદીકી (ઉ.વ.45, રહે.આઝાદનગર, ભટાર) પણ ઉતર્યો હતો. જોકે બંને ઘણા સમય સુધી બહાર નહી આવતા કોન્ટ્રાકટર શરણ હેમંતભાઇ રાય (ઉ.વ.45, રહે.ભગીરથ સોસાયટી, પાંડેસરા) કુવામાં ઉતર્યો હતો. જ્યાં ત્રણેયને ગુંગળામણ થવા લાગી હતી. કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને ઓક્સીજન માસ્ક સાથે અંદર ઉતરી ત્રણેયને દોરડી બાંધીના 15 મિનિટમાં વારાફરતી બહાર કાઢી નવી સિવિલમાં ખસેડયા હતા. જ્યાં ડોકટરે સત્યન અને કાદરને મૃત જાહેર કર્યા હતા. શરણની હાલત ગંભીર હોવાથી વોર્ડમાં દાખલ કરાયો છે એમ ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું.
નવી સિવિલમાં મૃતકોના પરિવાજનોએ ભારે આંક્રંદ કર્યું હતું. ઘટનાને પગલે મેયરએ સિવિલ પહોંચી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. ગટરમાં સફાઇ માટે ઉતરેલા ત્રણેય જણાએ સેફટીના સાધાનોની ધરાર અવગણના કરી હતી ઘટના અંગે ઉમરા પોલીસે ગુન્હાહીત બેદકકારી બદલ ગુન્હો નોધવાની તજવીજ હાથ ધરી હતી.
સાત બહેનો વચ્ચે એકનો એક લાડકવાય ભાઈ, પરિવારજનોનાં માથે આભ તુટી પડયું
વધુમાં મુળ બિહારનાં ગોપાલગંજના વતની અને હાલમાં ભટારમાં રહેતો 15 વર્ષીય સત્યમ પ્લમ્બરીંગનું કામ કરતો હતો. જોકે તે સાત બહેનો વચ્ચે એકનો એક લાડકવાય ભાઈ હતો. તેના મોતથી પરિવારજનોના માથે આભ તુટી પડયું હતું. તેના પિતા કાળનું વેચાણ કરે છે. જોકે તેના મોતને પગલે પરિવારજનોમાં હૈયાફાટ રૃદનથી સિવિલ કેમ્પસમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી.
પરિવારનું ગુજરાન ચલાવવા પ્લમ્બરીંગનું કામ કરતા
મુળ બિહારનાં સિંવાન જિલ્લાના વતની અને હાલમાં ભટારમાં રહેતા કાદિરને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે પરિવારનું ગુજરાન ચલાવવા પ્લમ્બરીંગનું કામ કરતા હતા. જોકે સવારે તે ચા-નાસ્તો કરીને ઘરેથી કામ અર્થે નીકળ્યો હતો. બાદમાં તે મોતને ભેટતા તેના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500