ઉચ્છલનાં ટોકરવા ગામની સીમમાં આઇસર ટેમ્પોમાં લૂંટના ઇરાદે ચડેલ બે ઈસમોએ સુમુલદાણની બે ગુણની નીચે પૈકી દીધી હતી ત્યારે ટેમ્પો ચાલકે સતર્કતા દાખવી ટેમ્પો હંકારી જઈ રૂમતળાવ પોલીસ ચેકપોસ્ટ ખાતે જઈ પોલીસે હકીકત જણાવતા બે ઈસમો ઝડપાઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાંથી સુમુલદાણની કુલ 220 ગુણ આઇસર ટેમ્પો નંબર DD/01/G/9204માં ભરીને ગત તારીખ 13નાં રોજ ચાલક અને ક્લિનર નીકળ્યા હતા. તે સમયે ટેમ્પો બાજીપુરાથી કુકરમુંડાનાં આશ્રવા ગામે દૂધ ડેરી ખાતે લઈ જવાનો હતો. રાત્રિનાં આશરે એકાદ વાગ્યાનાં સુમારે ઉચ્છલ-નિઝર રોડ ઉપર ટોકરવા ગામની સીમમાં ટેમ્પો ચાલકે રસ્તો પૂછવા ટેમ્પો થોભાવ્યો હતો અને કેટલાક માણસોને રસ્તાની પૂછપરછ કરી હતી.
તે દરમિયાન બે અજાણ્યા ઈસમો ટેમ્પોમાં પાછળ ચડી જઈ સુમુલદાણની બે ગુણ નીચે ફેકતા જોવા મળતા જેઓને કેમ ગુણો નીચે ફેંકો છો??? તેમ કહેતા એક ઈસમે ચપ્પુ બતાવી જણાવ્યું હતું કે, ટેમ્પો અહીને અહી ઉભો રાખો નહીં તો તમને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ચાલક અને ક્લીનરને માર માર્યો હતો. આઇસર ટેમ્પોમાં બંને ઈસમો ચડી ગયા હતા. પરંતુ ટેમ્પો ચાલકે ટેમ્પો હાંકી મૂકી પોલીસ હેલ્પ લાઈન નંબર-100 ઉપર ફોન કરી હકીકત જણાવી તેમજ રૂમકીતળાવ ખાતે પોલીસ ચેકપોસ્ટ ખાતે ટેમ્પો થોભાવી ત્યાં ઉપસ્થિત પોલીસને હકીકતથી વાકેફ કર્યા હતા ટેમ્પોમાંથી બંને ઈસમોને નીચે ઉતારી પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ, પ્રહલાદભાઈ દેવજીભાઈ વસાવા અને નિલેશભાઈ કેવાભાઈ વસાવા (બંને રહે.ટોકરવા ગામ, મોટું ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ બંને ઈસમો સામે રૂપિયા 3,090/-ની બે સુમુલદાણની ગુણની લૂંટ કરી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ ટેમ્પો ચાલક રાજુભાઈ સુખલાલભાઈ સાલવી (રહે.બાજીપુરા)નાંએ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500