જર્મનીની રાજધાની બર્લિનમાં આવેલી રેડિસન બ્લુ હોટેલનું એક પ્રખ્યાત માછલીઘર શુક્રવારે તૂટી પડ્યું હતું. આ ઘટના સવારે 5.45 કલાકે બની હતી. માછલીઘર એટલું મોટું હતું કે, તે તૂટી જતાં લાખો લિટર પાણી આખી હોટલ અને રસ્તા પર વહી ગયું હતું. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઈમરજન્સી સર્વિસના 100 લોકોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, બર્લિનના મિટ્ટે જિલ્લામાં એક્વાડોમ નામના આ માછલીઘરના વિસ્ફોટ પછી 2,64,172 ગેલન પાણી ચારે તરફ ફેલાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે, આ માછલીઘરમાં 1500 માછલીઓ હતી. જે હોટલની લોબીમાં ફેલાઈ ગઈ હતી. એક્વાડોમ એક્વેરિયમની ઊંચાઈ 15.85 મીટર હતી.
તે વિશ્વના સૌથી મોટા નળાકાર માછલીઘર તરીકે જાણીતું હતું. એક્વેરિયમ તૂટવાને કારણે કાચ પડી જવાથી બે લોકો ઘાયલ પણ થયા છે. બર્લિન પોલીસે કહ્યું કે, તે એક મોટું નુકસાન છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે નિષ્ણાતોની સલાહ પણ લેવામાં આવશે. આ ઘટના બાદ મોટાભાગના લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. રોયટર્સ સાથે વાત કરતા હોટલમાં હાજર એક મહેમાને જણાવ્યું કે, એક્વેરિયમમાં વિસ્ફોટ થતાં જ એવું લાગ્યું કે, જાણે ત્યાં ભૂકંપ આવ્યો હોય. હોટલના મેનેજમેન્ટને જોનાર વ્યક્તિએ જણાવ્યું કે, 1500 માછલીઓ સ્થળ પર જ મરી ગઈ. જ્યારે માછલીઘરની નાની ટાંકીમાં રાખવામાં આવેલી માછલીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બર્લિનના મેયર ફ્રાંઝિસ્કા ઝિફે કહ્યું કે, સારી વાત એ હતી કે, માછલીઘરમાં વહેલી સવારે વિસ્ફોટ થયો.
જ્યારે ત્યાં કોઈ હાજર નહોતું. તેમણે કહ્યું કે, જો આ ઘટના અન્ય કોઈ સમયે બની હોત તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. જ્યારે ઘટના બની ત્યારે હોટલમાં લગભગ 350 મહેમાનો હાજર હતા. વર્ષ 2020માં એક્વેરિયમનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ ટાંકીઓની સફાઈ કરવામાં આવી હતી. ટાંકીના સમારકામ દરમિયાન તમામ માછલીઓને હોટલના ભોંયરામાં સ્થિત એક્વેરિયમમાં રાખવામાં આવી હતી. માછલી ઘરની નજીક ગ્લાસ એલિવેટર લગાવવામાં આવ્યા હતા. જેથી લોકો તેને નજીકથી જોઈ શકે. આ ઘટના બાદ તેને પણ બંધ કરી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500