અમેરિકાનાં વર્જિનિયા પ્રાંતના રિચમંડમાં વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે ગોળી બારની ઘટના બની છે. રિપોર્ટ્સ અનુસાર, વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક-બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું માહિતી મળી છે. રિચમંડ પોલીસના વડા રિક એડવર્ડ્સે મીડિયાને જણાવ્યું કે, ગોળીબાર બાદ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે જ્યાં ગ્રેજ્યુએશન કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાંના અધિકારીઓને સાંજે 5:15 વાગ્યે (સ્થાનિક સમય) બહાર ગોળીબારનો અવાજ સંભળાયો. આ પછી તેમણે પોલીસને જાણ કરી. જોકે હવે લોકોને કોઈ ખતરો નથી. કસ્ટડીમાં લેવામાં આવેલા શકમંદોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
રિચમન્ડ પબ્લિક સ્કૂલે તેની વેબસાઈટ પર એક સંદેશમાં જણાવ્યું હતું કે, ગોળીબાર થિયેટરથી આગળની શેરીમાં મનરો પાર્કમાં થયો હતો. કોલેજ કેમ્પસની બાજુમાં આવેલી હાઈસ્કૂલમાં પદવીદાન સમારોહ બાદ આ ઘટના બની હતી. દરમિયાન, સ્કૂલ બોર્ડના સભ્ય જોનાથન યંગે મીડિયાને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને અન્ય હાજર લોકો જ્યારે થિયેટરથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને સતત 20 ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500