વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાનો તોડ હજુ મળ્યો નથી ત્યાં કેટલાક દેશોમાં તેના નવા વેરિયન્ટે ભય ફેલવાનું શરુ કર્યું. ભારતમાં પણ કોરોનાનો નવા વેરિયન્ટે પગ પેસારો શરુ કરી દીધો છે જેમાં દક્ષિણ ભારતનું રાજ્ય કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટથી બે લોકોની મોત થયાનું સામે આવ્યુ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેરળના કોઝિકોડ જિલ્લાના વિટ્ટોલીના 77 વર્ષીય કાલિયટ્ટુપરમ્બથ કુમારન અને કન્નુર જિલ્લામાં પનૂરના 82 વર્ષીય પલકંડી અબ્દુલ્લાના કોરોનાના નવા વેરિયન્ટથી મોત થયા છે.
આ કારણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કેરળના પાડોસી રાજ્યો તામિલનાડુ અને કર્ણાટકમાં પણ સ્વાસ્થ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને હોસ્પિટલોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. શુક્રવારે કુમારનના મોત બાદ લેબમાં ટેસ્ટમાં પુષ્ટિ થઈ હતી કે તેમનું મૃત્યુંનું કારણ કોવિડ હતું. આ સિવાય એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ માટે દાખલ થયેલા અબ્દુલ્લાએ સારવાર દરમિયાન જ કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો હતો.
દેશના દક્ષિણ રાજ્ય કેરળમાં કોવિડનો સબ વેરિયન્ટ જેએન.1ના જાણકારી મળી છે. ગત અઠવાડિયે તિરુવનંતપુરમ જિલ્લામાં કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં સબ વેરિયન્ટની ખબર પડી હતી. એક 79 વર્ષીય મહિલાના સેમ્પલની 18મી નવેમ્બરે RTPCR માટે તપાસ કરવામાં આવી હતી જેમાં સંક્રમિત જોવા મળી હતી. આ મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI)ના હળવા લક્ષણો હતા. જો કે આ મહિલા કોવિડથી સાજી થઈ ગઈ હતી.
સિંગાપુરમાં એક ભારતીય પ્રવાસીમાં કોવિડ-19ના સબ વેરિયન્ટ JN.1નું સંક્રમણ જોવા મળ્યું હતું. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની છે અને તે ઓક્ટોબરમાં સિંગાપુર પ્રવાસે ગયો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના સબ વેરિયન્ટ JN.1ની જાણ સૌપ્રથમ યૂરોપીય દેશમાં થઈ હતી અને ત્યારબાદ આ વેરિયન્ટ ઘણા દેશોમાં ફેલાઈ ગયો હતો. ભારતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગતરોજ સુધી અપડેટ કરાયેલા ડેટા અનુસાર કોવિડના કુલ કેસોમાં 339 નવા કેસનો વધારો થયો છે. આ રીતે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1492 પર પહોંચી ગઈ છે. કોવિડના કારણે મૃત્યુ થનાર લોકોની સખ્યાનો આંક 5,33,311 પર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 4,50,04,481 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 4,44,69,678 લોકો સાજા થયા છે અને રિકવરી રેટ 98.81 ટકા પર પહોંચી ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500