વલસાડ જિલ્લા એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીને આધારે દારૂની હેરફેર કરતી કાર ઝડપી પાડી હતી. આ સાથે જ બે ઈસમોની ધરપકડ કરાઈ હતી જયારે અન્ય બે’ને વોન્ટેડ જાહેર કરાયા હતા. મળતી માહિતી મુજબ, પારડી નજીકના રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ ઉપર દમણીઝાપા ઓવરબ્રિજ પાસે એલ.સી.બી.એ બાતમીને આધારે વોચ રાખઈને બ્લુ કલરની ટાટા અલ્ટ્રોજ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે કારના ચાલકે પોલીસનો ઈશારો અવગણી ભાગી જવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે વાહનને આડશ તરીકે ઉભુ રાખી દેતા કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી. જે બાદ કારમાંથી બહાર નીકળી ભાગવાનો પ્રયાસ કરતા બંને આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા.
આરોપીઓએ પોતાની ઓળખ જીગર મોહનભાઈ પટેલ અને પ્રતિક જીતુભાઈ પટેલ તરીકે આપી હતી. પોલીસે કારની તપાસ કરતાં પાછળની સીટ અને ડિકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ ૧,૨૬૦ બોટલ જેની કિંમત રૂપિયા ૧,૩૮,૦૦૦/- મળી આવી હતી. આરોપીઓ પાસે આ દારૂની હેરાફેરી માટે કોઈ પાસ પરમિટ ન હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે, તેમને આ કાર અને દારૂ જીગ્નેશ ઉર્ફે જીગુ બોબડો દશરથભાઈ (રહે.પારડી, દમણીઝાપા) અને હર્ષ (રહે.ઉમરસાડી)એ દમણ વાંકડ તળાવ પાસે આપી હતી. આરોપીઓના જણાવ્યા અનુસાર આ બંને વ્યક્તિઓ અન્ય એક કારમાં આગળ પાયલોટિંગ કરતા હતા. આમ, પોલીસે કાર, દારૂનો જથ્થો અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જ્યારે જીગ્નેશ ઉર્ફે જીગુ બોબડો અને હર્ષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500