વાપી પંથકમાંથી બે પરપ્રાંતીય યુવતી અને યુવક ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રથમ ઘટનામાં વાપી તાલુકાનાં ડુંગરામાં અનમોલ બિલ્ડિંગ, સાંઈ મંદિર પાસે ડુંગરા કોલોનીમાં સાજીતભાઈના ફ્લેટ નં-૩૦રમાં રહેતી અને મૂળ નૌગાવ, મધ્યપ્રદેશની ૧૮ વર્ષીય કશીશ ઈસ્માઈલ ખાન તારીખ ૦૫/૦૪/૨૦૨૫ નારોજ સવારે ૧૧થી ૧૧-૩૦ વાગ્યા દરમિયાન ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કશે જતી રહી હતી.
જે આજદિન સુધી પરત ફરી નથી. તેઓ પાતળો બાંધો, રંગે ઘઉંવર્ણ અને ૫ ફૂટ ૪ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે કાળા કલરની કુર્તી, કાળા કલરનું પેન્ટ અને કથ્થઈ કલરના ચપ્પલ પહેરેલા હતા. બીજી ઘટનામાં ડુંગરાની ડુંગરા કોલોની, યુનિકનગર, ઉપેન્દ્ર તિવારીની ચાલમાં રહેતી મૂળ બરવાર ખુર્દ, ગોરખપુરની ૨૦ વર્ષીય અનિતા દિલીપ ૯-૩૦થી ૧૦-૦૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર ચાલી ગઈ હતી. આ યુવતી પણ હજુ સુધી ઘરે આવી નથી. તેણી શરીરે મધ્યમ બાંધો અને રંગે થઉંવર્ણ હોવા સાથે ૫ ફૂટ ૬ ઈંચ ઉંચાઈ ધરાવે છે.
અન્ય એક ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, વાપી તાલુકાના પીપરીયા, કરમખલ ખાડી ફળિયા, ચોરસીયાની ચાલમાં રહેતા અને મૂળ ઉદપુર ગેલ્હાવા, યુપીનો ૨૮ વર્ષીય સંદેશ કૃષ્ણચંદ શર્મા તારીખ ૮/૪/૨૦૨૫ નારોજ ઘરેથી ક્યાંક ચાલી નીકળ્યો હતો. તે પણ ઘરે પરત આવ્યો નથી. આ યુવાન શરીરે પાતળો બાંધો અને રંગે ઘઉંવર્ણ હોવા સાથે ૫ ફૂટ ૩ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે આસમાની કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું ટૂંકુ પેન્ટ પહેરેલું હતું. ઉલ્લેખનીય છે કે વાપી વિસ્તારમાં આ પ્રકારની ઘટના દર મહિને નોંધાતી રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500