મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામનાં પાટીયા પાસેના નેશનલ હાઈવે નંબર 53 ખાતે સોનગઢથી સુરત જતાં ટ્રેક ઉપરથી દારૂની હેરાફેરી માટે વપરાતો એક ટેમ્પો સાથે બે ઈસમો ઝડપાયા હતા, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રનાં નવાપુર તરફથી એક ટેમ્પોમાં બે ઈસમો મહારાષ્ટ્ર તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આવી રહેલ છે અને તે સોનગઢથી થઈ સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ડોસવાડા પાટિયા પાસે વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર DN/09/S/9972 આવતા જોઈ પોલીસ સ્ટાફના માણસોએ ટેમ્પોને ઉભો રખાવ્યો હતો. પરંતુ ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી સિમેન્ટ વેસ્ટ પાવડરની ગુણો મળી આવી હતી.
ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ ટેમ્પોના ચાલક અરુણભાઈ શોભાસીંગ રાજપુત (રહે.બલિઠા, તા.વાપી, જિ.વલસાડ) અને અનિલ રામઅવતાર ગોડ (રહે.વાપી ટાઉન, તા.વાપી, જિ.વલસાડ)નાઓની પૂછપરછ હાથ ધરતા બંને ઈસમોએ જણાવ્યું હતું કે, વાપી ખાતે રહેતા આશિફ લખાણીએ સેલવાસ ખાતેથી આ ટ્રકમાં હાલમાં ભરેલ કાપડની ચીંધીના થેલા અને સિમેન્ટ વેસ્ટ પાવડરની ગુણોની આડમાં બિલ વગરનો ઇંગ્લિશ દારૂની અલગ અલગ બનાવટની પેટીઓ ભરી આપી હતી અને આ ટેમ્પોમાં ભરેલ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર ખાતે ખાલી કરવા જણાવેલ હતું અને આ ટેમ્પો ઉપર પહેલા બીજી નંબર પ્લેટ લગાવી હતી તે કાઢીને આ આશિફએ હાલની આ ખોટી નંબર પ્લેટ લગાવી હતી ત્યારે પોલીસે બંને ઈસમની અટકાયત કરી હતી અને આશિફ લખાણીને પણ આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ પોલીસે ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 10,05,500/- લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે એક’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500