ખેડા પરા દરવાજા વિસ્તારમાં બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં ભર બપોરે સોનાના દાગીના ખરીદવાના બહાને આવેલ બે મહિલા અને પુરુષ દુકાનદારની નજર ચૂકવી સોનાના દાગીના ભરેલ ડબ્બો ૧૭૫.૦૮૦ ગ્રામ કિંમત રૂ.૧૨,૨૫,૫૬૦ ની મત્તા ચોરી ગયા હતા. બનાવ અંગે દુકાનદારે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કુટેજ આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખેડા રામજી મંદિર શેરીમાં અનિલ પુખરાજ જૈન પરિવાર સાથે રહે છે. અનિલભાઈ જૈનની પરા દરવાજા બજારમાં વર્ધમાન જ્વેલર્સ નામની દુકાન આવેલ છે. આ દુકાનમાં ગત તારીખ ૧૦ જુલાઇના બપોરના ૧૨ વાગ્યાના સુમારે ત્રણ ચાર ગ્રાહકો સોનાના દાગીના ખરીદવા આવ્યા હતા.
આ દરમિયાન બે મહિલા તેમજ એક પુરુષ દુકાનમાં આવી સોનાની ચુની લેવી છે બતાવો તેમ કહેતા દુકાનદારે જુદી જુદી પ્રકારની સોનાની ચુનીયો બતાવી તેમજ બીજા ગ્રાહકોને સોનાના દાગીના બતાવતા હતા. ત્યારબાદ ગ્રાહકોની ભીડ હોઇ દુકાનદારની નજર ચૂકવી તેમની સીટની બાજુમાં મુકેલ સોનાના દાગીના ભરેલ ડબ્બાની સિફત પૂર્વક ઉઠાંતરી કરી ગ્રાહકોના સ્વાંગમાં આવેલ બે મહિલાઓ તેમજ એક પુરુષ દાગીનાની ખરીદી કર્યા વગર દુકાનમાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ દુકાનદારને પોતાની સીટની બાજુમાં મૂકેલ સોનાના દાગીના ભરેલ ડબો મળી ન આવતા દુકાનદારે કાઉન્ટર પર તેમજ ડ્રોઅરમાં શોધ ખોળ કરી હતી.
આમ છતાં સોનાના દાગીના ભરેલ ડબ્બો મળી આવ્યો ન હતો. જેમાં સોનાની કડીઓ, ઝુમ્મર સોનાની વીંટી સહિત ૧૭૫.૦૮૦ ગ્રામના કિંમત રૂપિયા ૧૨,૨૫,૫૬૦/-નાં દાગીનાનો સમાવેશ થાય છે. દુકાનદારે દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં જોતા બે મહિલા અને એક પુરુષ નીચે નમી આ ડબો ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતુ. આ અંગે અનિલભાઈ પુખરાજભાઈ જૈનએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુદી જુદી ત્રણ ટીમો બનાવી ૧૫ સીસીટીવી ચેક કરી ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મેળવી હતી.
ખેડા પોલીસે દીપકભાઈ લાલભાઈ દૂલેરા સોની (રહે.નેસડા ગામ, તા.ધોળકા), કાજલબેન ધર્મેશભાઈ દંતાણી (રહે.મલાવ તળાવ, ધોળકા) તેમજ વિમળાબેન દિલીપભાઈ દંતાણી (રહે.બામણ પીઠ, તા.ધોળકા)ને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોરીના મુખ્ય સૂત્રધાર ધર્મેશ મુકેશભાઈ દંતાણીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ત્રિપુટી જ્વેલર્સની દુકાનોમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેઓ સામે નારોલ પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલ છે. આમ ખેડા ટાઉન પોલીસને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500