બારડોલી નગરમાં બે બંધ ઘરમાં ચોરીના ગુન્હામાં ચીકલીગર ગેંગના બે શખ્સોને ઝડપી પાડી પોલીસે રૂ.૨.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ચોરી કરવામાં સામેલ એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી નગરમાં તા.૧૯-૧૧- ૨૦૨૪ નારોજ જલારામ હુડકો નગરમાં રહેતા આધેડ દરવાજાને તાળું મારી મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા તે સમયે બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના અને રોકડા સહિત રૂ.૧.૯૦ લાખના મુદ્દામાલ ચોરી થઈ હતી.
ત્યારબાદ ગત તા.૦૩-૦૧-૨૦૨૫ના રોજ બારડોલીના તેન રોડ ખાતે સાંઈનાથ નગર સોસાયટીમાં બંધ ઘરમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને કુલ રૂ.૭૫,૮૦૦ તસ્કરો ચોરી કરી ગયા હતાં. બંને ચોરીની ઘટનામાં પોલીસે સ્થળ મુલાકાત લેતાં એકસરખી મોડેસ ઓપરેન્ડી જણાતાં મોબાઈલ ટેકનોલોજી અને બાતમીદારો મારફત તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને બાતમી મળતા તેન ગામે ચાણક્યપુરી સોસાયટીમાં એક ઘરમાં રેડ કરતાં પ્રદિપસિંગ જોગિન્દરસિંગ બાવરી ચીકલીગર (ઉ.વ.૩૨) અને બલવિદસિંગ સુરજિતસિંગ આયાસિંગ ચીકલીગર (ઉ.વ.ર૯., રહે.બકોડરા, વાલિયા રોડ, અંકલેશ્વર)ને ઝડપી લીધા હતાં. પોલીસે બંનેની સઘન પૂછપરછ કરી સોના ચાંદીના દાગીના, બે મોબાઈલ ફોન, બે બાઈક અને તાળા તોડવાના સાધનો સાથે કુલ રૂ.૨,૬૦,૮૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, પોલીસે બંનેને પૂછપરછ કરતાં ચોરી માટે આવેલા જીતેન્દ્રસિંગ ઉર્ફે દિલાવરસિંગ (રહે.ઉધના, પ્રભુનગર, સુરત)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500