સલામતી દળોને રવિવારે જમ્મુ-કાશ્મીરનાં કુલગામ અને શ્રીનગરમાંથી બે 'હાઈબ્રિડ આતંકી'ઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. કાશ્મીર ઝોન પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, કુલગામ પોલીસ અને આર્મી (34 આરઆર)એ લશ્કર-એ-તોયબાના હાઈબ્રિડ આતંકી યામિન યુસુફ ભટની કુલગામથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે, અન્ય એક હાઈબ્રિડ આતંકીની શ્રીનગરમાંથી ધરપકડ કરાઈ હતી. બીજીબાજુ પોલીસે કહ્યું કે, માન્ય દસ્તાવેજો સાથે પાકિસ્તાન જઈને આતંકી બની ખીણમાં ઘૂસેલા 17 સ્થાનિક યુવાનો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
આઈએસઆઈએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સ્વદેશી ચળવળ ગણાવવા માટે અહીંના સ્થાનિક યુવાનોને ઉશ્કેરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જે ચિંતાજનક છે. પોલીસે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે કુલગામ પોલીસ અને 34 રાષ્ટ્રીય રાઈફલના જવાનોએ કુલગામમાંથી આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના એક એવા હાઈબ્રિડ આતંકી યામિન યુસુફ ભટની ધરપકડ કરી છે.
જે તેના પાકિસ્તાની આકાઓના ઈશારે કાશ્મીર ખીણમાં કામ કરતો હતો. યામિન યુસુફ ભટ પાકિસ્તાની આતંકીઓ સાથે તોયબાના સ્થાનિક આતંકીઓના સંપર્કમાં હતો. સ્થાનિક આતંકીઓએ તેને હુમલો કરવાનું કામ સોંપ્યું હતું. તેની પાસેથી એક પિસ્તોલ, 2 ગ્રેનેડ્સ અને 51 પિસ્તોલ રાઉન્ડ્સ સહિત ઉશ્કેરણીજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યા હતા. તે કુલગામ જિલ્લામાં તેના સાથીઓને હથિયારો-દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી પૂરી પાડતો હતો. બીજીબાજુ શ્રીનગરમાં પોલીસ અને 50 રાષ્ટ્રીય રાઈફલના જવાનોએ નૌગામમાંથી મુછવા બડગામના હાઈબ્રિડ આતંકી શેખ શાહિદ ગુલઝારની ધરપકડ કરી હતી. તેની પાસેથી પણ એક પિસ્તોલ અને જીવંત કારતૂસો સહિત ઉશ્કેરણીજનક સામગ્રી જપ્ત કરાઈ હતી.
હાઈબ્રિડ આતંકીની ધરપકડ સલામતી દળો માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે આ આતંકીઓ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ સારી રીતે જાણતા હતા. તે પીઓકેના આતંકીઓના સંપર્કમાં પણ હતા અને તેમના કમાન્ડ તથા માર્ગદર્શનમાં કામ કરતા હતા. દરમિયાન સલામતી દળોએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં 17 કાશ્મીરી યુવાનો માર્યા ગયા છે. આ યુવાનો માન્ય પ્રવાસ દસ્તાવેજ સાથે પાકિસ્તાન ગયા હતા, પરંતુ આતંકી બનીને કાશ્મીર ખીણમાં ઘૂસી આવ્યા હતા. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ કાશ્મીરમાં આતંકવાદને સ્વદેશી ચળવળ ગણાવવા નવી મોડસ ઓપરન્ડી અપનાવી છે, જેના ભાગરૂપે તે સ્થાનિક યુવાનોને ઉશ્કેરીને તેમને આતંકી બનાવે છે. સલામતી દળો માટે આ બાબત ખૂબ જ ચિંતાજનક છે.
સલામતી દળના અધિકારીઓએ જણાવ્યું કે, વર્ષ-2015થી મોટી સંખ્યામાં યુવાનોએ ઉચ્ચ અભ્યાસ, લગ્ન માટે સંબંધીઓને મળવા સહિતના કારણોથી પાકિસ્તાન જવા પ્રવાસ દસ્તાવેજો મેળવ્યા છે. જોકે, તાજેતરમાં યુજીસી અને એઆઈસીટીએએ પણ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ પ્રકારના અભ્યાસની ડિગ્રી ભારતમાં ઊચ્ચ અભ્યાસ માટે લાયક નહીં ગણાય તેમજ પાકિસ્તાની ડિગ્રીઓના આધારે ભારતમાં રોજગારી પણ મેળવી શકાશે નહીં.
અધિકારીઓએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી મોટી સંખ્યામાં યુવાનો અભ્યાસ માટે પાકિસ્તાન જાય છે, પરંતુ ત્યાં તેમનું બ્રેઈનવોશ કરાય છે અને તેમને હથિયારોની તાલીમ આપીને આતંકી બનાવી ભારતમાં ઘૂસાડવામાં આવે છે અથવા મની લોન્ડરિંગ માટે તેમનો ઉપયોગ થાય છે. આવા યુવાનોની સ્લિપર સેલમાં પણ ભરતી કરાય છે. સલામતી દળોનું માનવું છે કે પાકિસ્તાનમાં નવા આતંકીઓની ભરતી માટે છ સપ્તાહનો તાલિમ કોર્સ પણ ચલાવાય છે. સલામતી દળો માટે આ બાબત ચિંતાજનક છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500