રાજકોટમાં ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ધોરણ-12ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે તેમના મિત્રને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સરકારી આવાસના ક્વાર્ટરમાં રહેતા રાજ સમેરવા મિત્ર સંજય સાથે બાઇક પર જામનગર રોડ પર આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી સાંજના સમયે પરત ફરતા હતા. જામનગર રોડ પર આવેલા દ્વારકાધિશ પેટ્રોલપંપની સામે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બંને મિત્રો રસ્તા પર ફંગોળાયા હતા. આ ઘટનામાં રાજનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મિત્ર સંજયને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયો હતો.
આ ઘટના બાદ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના પરિવારજનોને જાણ કરતા તેઓ બનાવ સ્થળે પહોંચતા પુત્રનો મૃતદેહ જોઇ માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે, રાજ બે ભાઇમાં નાનો હતો અને જામનગર રોડ પર આવેલી શ્રેર્યસ સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500