આણંદનાં બોરસદ તાલુકાનાં કાંધરોટી ગામે જમીનની અદાવતમાં બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં છથી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઝઘડામાં બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પીરસદ પોલીસ મથકે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાનાં કણભા ગામની ચેતકપુરા સીમમાં રહેતા નીતિનકુમાર મનુભાઈ ઠાકોરના પરિવારને મહેરામપુરા સીમમાં રહેતા કૌટુંબિક કાકા રમેશભાઈ ઠાકોર સાથે કાંધરોટી ગામની સીમમાં આવેલી જમીનની વહેંચણી બાબતે છેલ્લા ઘણા વર્ષોથી તકરાર ચાલી રહી હતી.
જોકે સાંજે આ તકરારી જમીનમાં રમેશભાઈ ટ્રેક્ટરથી ખેડાવતા હોવાથી મનુભાઈએ ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રમેશભાઈને અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા રમેશભાઈએ મનુભાઈને દાંતી મારી ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન અશ્વિનભાઈ વચ્ચે છોડાવવા પડતા શંકરભાઈ પુનમભાઈ ઠાકોર, કાભઈભાઈ બકોરભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. શંકરભાઈએ અશ્વિનભાઈને તેમજ કાભાઈભાઈએ મનુભાઈ અને અશ્વિનને જ્યારે ગોપાલભાઈ ઠાકોરે નીતિનકુમારને દાંતીના ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. હવે પછી જમીનમાં ભાગ માગશો તો જીવતા નહીં મૂકીએ તેવી ધમકી આપી હતી.
ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સામા પક્ષે શંકરભાઈ પુનમભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પુત્ર ગોપાલ સાથે કાંધરોટી સીમમાં આવેલી જમીન ખાતે ગયા અને ખેડ કરવા માટે ટ્રેક્ટર બોલાવતા કૌટુંબિક ભાઈ મનુભાઈ ઠાકોર તથા અશ્વિનભાઈ ઠાકોર, અજીતભાઈ ઠાકોર અને નીતિનભાઈ ઠાકોરે ખેડ નહીં કરવા દઈ અપશબ્દો બોલી ગોપાલને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. મનુભાઈએ શંકરભાઈને લાકડી મારી ઇજા પહોંચાડી હતી. પુત્ર ગોપાલ વચ્ચે છોડાવવા પડતા તેને પણ લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500