મુંબઈને અડીને આવેલ જોડીયા શહેર મીરા-ભાયંદર મહાનગરપાલિકાનાં બે એન્જિનિયરોએ સ્થાનિક ધારાસભ્ય ગીતા જૈન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બંને એન્જિનિયરોએ ગીતા જૈન સામે હુમલો કરવાનો અને તેમની ફરજ આડે અંતરાય ઊભો કર્યો હોવાનો આરોપ કર્યો હતો. અહીંના સ્થાનિક અપક્ષ ધારાસભ્ય ગીતા જૈન પાલિકાનાં જુનિયર એન્જિનિયર શુભમ પાટીલ અને તેના સહકર્મી સંજય સોનીને મંગળવારે જાહેર જનતાની સામે એક ગેરકાયદે કથિત રીતે ઝુપડું તોડી પાડવા માટે અપશબ્દો કહી ગેરવર્તન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
જ્યારે આની વિપરીત બંને એન્જિનિયરોએ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં કરેલ ફરિયાદ મુજબ તેમણે કોઈ તોડકામ હાથ ધર્યું જ નહોતું. પાલિકાનાં અધિકારીઓએ પેણકર પાડા વિસ્તારની પાંડુરંગ વાડીમાં રાજીવકુમાર સિંહની ગેરકાયદે ઝૂંપડીને તારીખ 14 જૂનનાં રોજ તોડી પાડવાની યોજના બનાવી હતી. પરંતુ ધારાસભ્ય જૈનનાં ફોન કોલ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જોકે તારીખ 20 જૂનનાં રોજ ધારાસભ્ય જૈને પાલિકાનાં આસીસ્ટન્ટ કમિશનર સચિન બચ્છાવને સ્થળની સાઈટ વિઝીટ માટે આવવાનું કહ્યું હતું.
જોકે તેઓ વ્યસ્ત હોવાથી આ બંને એન્જિનિયરોને તેમની જગ્યાએ મોકલવામાં આવ્યા હતા. ધારાસભ્યે આ બંને સાથે ઝઘડો કર્યો હતો અને તેમની મારપીટ કરી પાટીલને થપ્પડ પણ મારી હતી. તેથી આ બંને એન્જિનિયરોએ ફરિયાદ કરી ધારાસભ્ય જૈન સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ સમગ્ર પ્રકરણે ફરિયાદ કરતા ફરિયાદીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, સિંહનું ઘર તોડવામાં આવ્યું જ નહોતું. તેમણે કથિત આરોપ કર્યો હતો કે, સિંહને અને તેની માતાને વર્ષ 2015માં જ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી હતી જે તેમણે ભાડે આપી દીધી હતી અને ગેરકાયદેસર આ ઝૂંપડીમાં રહેતા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના-ભાજપ ગઠબંધનને ટેકો આપતા અપક્ષ ધારાસભ્ય જૈને મંગળવારે ન્યૂઝ ચેનલોને જણાવ્યું હતું કે, તેમને આ ઘટના બાબતે કોઈ પસ્તાવો થયો નથી. મ્યુનિસિપલ કમિશનરને લખેલ એક પત્રમાં જૈને આ બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. જેમાં સિંહનું ઘર તારીખ 16 જૂને તોડી પાડવાનો અને તેના બાળકો અને પત્નીને ઘરમાંથી કાઢી દેવાનો આરોપ મૂક્યો હતો. જૈને દાવો કર્યો હતો કે, આ બંનેએ ચોમાસા પહેલા કોઈના ઘર ન તોડવાના સરકારના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500