ફરીદાબાદમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. જૂના ફરીદાબાદ રેલવે અંડરપાસ પર શુક્રવારે મોડી રાત્રે એક ખાનગી બેંકના બે કર્મચારીઓના પાણી ભરાયેલા અંડરપાસમાં ડૂબી જવાથી મોત થયા છે. પોલીસે ઘટના અંગે જણાવ્યું કે, જૂના ફરીદાબાદ રેલ્વે અંડરપાસમાં પાણી ભરાવાને કારણે ખાનગી બેંકના બે કર્મચારીઓના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, કારમાં મુસાફરી કરી રહેલાં HDFC બેંકનાં 48 વર્ષીય વાઇસ પ્રેસિડેન્ટ (વીપી) પુણ્યશ્રેય શર્મા અને 25 વર્ષીય વિરાજ દ્વિવેદી અંડરપાસમાં લગભગ 10 ફૂટ વરસાદી પાણીમાં ડૂબવાથી મોત થયા છે. વિરાજ દ્વિવેદી HDFC બેંકમાં કેશિયર હતા. તેઓ વીપી પુણ્યશ્રેય શર્માની કારમાં શહેરના સેક્ટર-86 ઓમેક્સ હાઈટ સોસાયટીમાં જઈ રહ્યા હતા.
બંને XUV-100 કારમાં ગુરુગ્રામથી મેટ્રો ચોક થઈને સેક્ટર-86 જઈ રહ્યા હતા. બંને રાત્રે સાડા અગિયાર વાગ્યે જૂના રેલવે અંડરપાસ પાસે પહોંચ્યા હતા. ત્યાં વરસાદનું પાણી હતું, પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, સ્થળ પર કોઈ પોલીસ ન હતી અને કોઈ બેરિકેડિંગ પણ નહોતુ. મળતી માહિતી મુજબ, પુણ્યશ્રેય શર્મા ઉત્તર પ્રદેશના સીતાપુરના ઘુરામાઉ સંજય નગરનો રહેવાસી હતો. જ્યારે વિરાજ દ્વિવેદી ઉત્તરપ્રદેશનાં આંબેડકર નગર સ્થિત દુબનેના પૂર્વા ભીટીનો રહેવાસી હતો. વિરાજ કાર ચલાવી રહ્યો હતો તેથી તેણે કારને પાણીમાં લઈ લીધી. કાર થોડે દૂર જતાં જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બંને કારમાં જ બૂમો પાડવા લાગ્યા. આજુબાજુના લોકોએ જોયું તો બધા દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી.
પરંતૂ ત્યાં સુધીમાં બંને કારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરવા લાગ્યા. લોકોની મદદથી પોલીસે પુણ્યશ્રેય શર્માને બહાર કાઢીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સવારે લગભગ પાંચ વાગ્યે, સોનીપતથી આવેલી SDRFની ટીમે વિરાજના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો. આ અંગે નીનટ પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને મૃતકો ગુરુગ્રામના સેક્ટર-31માં HDFC શાખાનાં કર્મચારી હતા. વિરાજ દ્વિવેદી કેશિયર હતા જ્યારે પુષ્યશ્રેય શર્મા મેનેજર હતા. મૃતકના સાથી આદિત્યએ જણાવ્યું કે, તેને ખ્યાલ નહોતો કે, અંડરપાસમાં આટલુ પાણી છે જેના કારણે કાર ડૂબી ગઈ. વિરાજે કારને પાણીમાંથી બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ વધુ પાણીને કારણે તે બંધ થઈ ગઈ અને લોક થઈ ગઈ. ત્યારબાદ કારમાં પાણી ભરાતા બંનેના મોત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500