Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરળ : એર્નાકુલમનાં એક ચર્ચમાં 2500થી વધુ લોકોથી ભરેલ કન્વેન્શન સેન્ટરમાં ત્રણ વિસ્ફોટ થતાં બે’નાં મોત

  • October 30, 2023 

કેરળમાં એર્નાકુલમનાં એક ચર્ચમાં 2500થી વધુ લોકોથી ભરેલા કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના ચાલતી હતી તેવા સમયે જ અચાનક એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં બે મહિલાના મોત થયાં છે. જોકે, અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની હાજરીને જોતાં મોટી જાનહાનિ ટળી છે. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે એક દિવસ પહેલાં જ મલ્લાપુરમમાં એક રેલીને વર્ચ્યુઅલ સંબોધન કરતાં હમાસના નેતા ખાલિદ મસાલે મુસ્લિમોને ભારતમાં પણ જેહાદ કરવા હાકલ કરી હતી. આ વિસ્ફોટોની તપાસ એનઆઈએને સોંપાઈ છે. જોકે, એક વ્યક્તિએ હુમલાની જવાબદારી લીધી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બીજીબાજુ વિસ્ફોટોના પગલે બધા જ રાજ્યોમાં પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કેરળના એર્નાકુલમમાં ગતરોજ એક ચર્ચના કન્વેન્શન સેન્ટરમાં અચાનક થયેલા વિસ્ફોટોથી આખા દેશમાં હોબાળો મચી ગયો છે.



આ ઘટના નજરે જોનારા સાક્ષીઓનું કહેવું છે કે, વિસ્ફોટ કન્વેશન સેન્ટરની વચ્ચે થયો હતો. ત્રણ વખત વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટના કારણે હોલમાં ચારે બાજુ ધુમાડાના ગોટા થઈ ગયા હતા. વિસ્ફોટની જગ્યાએ એક મહિલા બેઠી હતી, જેનું મોત થઈ ગયું જ્યારે બાવન લોકોને ઈજા થઈ છે. કેન્દ્ર સરકારે આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની તપાસ એનઆઈને સોંપી છે. કેન્દ્ર સરકારે એનઆઈએની સાથે એનએસજીની પણ એક ટીમ એર્નાકુલમ રવાના કરી હતી. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી વિજયને આ વિસ્ફોટોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે. જોકે હજુ સુધી આ વિસ્ફોટોનું કારણ જાણી શકાયું નથી. 'યહોવાના સાક્ષી' નામની એક ધાર્મિક સભા સમયે આ વિસ્ફોટ થયો હતો.



પ્રારંભિક તપાસમાં જણાયું છે કે, એક ટિફિન બોક્સમાં વિસ્ફોટકો ભરેલા હતા. આ વિસ્ફોટ કરવા માટે આઈઈડી અને એન્સિડિયરી ડિવાઈસનો ઉપયોગ કરાયો હતો તેમ કેરળ પોલીસના મહાનિર્દેશક શેખ દરવેસે જણાવ્યું હતું. આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત સરકારે ઈઝરાયેલનું સમર્થન કર્યું છે, પરંતુ દેશમાં અનેક મુસ્લિમો અને ડાબેરીઓ પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છે. આ શ્રેણીમાં કેરળના મલ્લાપુરમમાં શનિવારે એક રેલીને હમાસના પૂર્વ વડા ખાલિદ મશાલે વર્ચ્યુઅલી સંબોધન કરીને ભારતમાં જેહાદની હાકલ કરી હતી. સાથે ખાલિદ મશાલે ભારતમાં હિન્દુત્વ અને યહુદીઓના ખાત્માની પણ વાત કરી હતી.



આ રેલીમાં બુલડોઝર હિન્દુત્વ અને યહુદીવાદને ઉખાડી ફેંકવાના નારા લાગ્યા હતા. દરમિયાન એર્નાકુલમમાં વિસ્ફોટો પછી દેશભરમાં ચર્ચોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે તેમજ પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. આ સિવાય કેરળના ચર્ચોમાં વધારાની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. કેરળના વિસ્ફોટો પછી ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે બધા જ જિલ્લામાં તેમજ યુપી એટીએસને એલર્ટ રહેવા આદેશ આપી દીધા હતા. દરમિયાન ત્રિશૂર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કરતાં દાવો કર્યો હતો કે, તેણે જ કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ લગાવ્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. જોકે, આત્મસમર્પણ કરતાં પહેલાં તેણે ફેસબૂક પર લાઈવ કરીને વિસ્ફોટો કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેણે પોતાનું નામ ડોમિનિક માર્ટિન કહ્યું હતું. તેણે દાવો કર્યો કે, તે ખ્રિસ્તી ધર્મના યહોવાના સાક્ષી સમૂહ સાથે સંકળાયેલો છે, પરંતુ તેને તેમની વિચારધારા પસંદ નથી. આ લોકો દેશ માટે જોખમી છે. તેઓ દેશના યુવાનોના મગજમાં ઝેર ઘોળી રહ્યા છે. તેથી તેમની પ્રાર્થના સભાના સમયે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application