મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડના ભાવના હોટલથી બુટવાડા જતાં રોડ ઉપર DGVCL ઓફીસ સામેથી વ્યાજના ધંધાના અલગ અલગ ધંધાદારીઓને વ્યાજે આપેલ નાણાં ઉઘરાની કરવા માટે ચલથાણ ખાતેથી બાઈક ઉપર આવેલ બે જણાને ૬ અજાણ્યા ઈસમોએ ધાકધમકી આપી ઢીંકમુક્કીનો મારમારી તથા ચપ્પુ બતાવી તેમની પાસેના રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કૂલ રૂપિયા ૧૮,૦૦૦/- લુંટી ફરાર થઈ ગયાની ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાનાં ચલથાણ ગામનાં શિવસાગર સોસાયટીમાં રહેતા કર્પ સ્વામી અયાવુ (ઉ.વ.૨૫., મૂળ રહે.વલઈપટ્ટી, તા.ક્ડવવુર, જિ.કરુરુ, તામિલનાડુ) અને શિવા સુબ્રમણી વેલુસ્વામી નાઓ તારીખ ૨૫/૦૨/૨૦૨૫ નારોજ તેઓના શેઠ પલની સ્વામીના વ્યાજના ધંધાના અલગ અલગ ધંધાદારીઓને વ્યાજે આપેલ નાણાં ઉઘરાની કરવા માટે ચલથાણ ખાતેથી યુનિકોર્ન બાઈક નંબર GJ/26/AF/0584 ઉપર નીકળ્યા હતા.
તે સમયે વાલોડના વેડછી સર્કલ ખાતે આવેલ બાબા આમલેટની લારી તથા હોટલ હોટ ચીલી ખાતેથી નાણાંની ઉઘરાની કરી વાલોડ વેડછી સર્કલ થઇ ભાવના હોટલની સામેથી બુટવાડા ગામ તરફ જતા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે સાંજના સમયે DGVCL ઓફીસ સામેથી પસાર થતા હતા. તે દરમિયાન ત્રણ મોટર સાયકલ જેમાં R15, સ્પ્લેન્ડર, અને સ્કુટી મોપેડ ઉપર સવાર કૂલ ૬ અજાણ્યા ઇસમોએ આવી પહોંચી બાઈક સવાર કર્પ સ્વામી ઐયાવુ સ્વામી અને શિવા સુબ્રમણી વેલુસ્વામી નાઓને રસ્તામાં રોકી દીધા હતા.
ત્યારબાદ ધાક ધમકી આપી ઢીંકમુક્કીનો મારમારી તથા ચપ્પુ બતાવી તેમની પાસેના રોકડા રૂપિયા ૯૦૦૦/- અને ૩ નંગ મોબાઇલ જેની કિંમત રૂપિયા ૯૦૦૦/- મળી કૂલ રૂપિયા ૧૮,૦૦૦/-ની ધાડ પાડી અજાણ્યા ઈસમો ભાગી છુટ્યા હતા. બનાવ અંગે કર્પ સ્વામી અયાવુનાએ તારીખ ૨૬/૦૨/૨૦૨૫ નારોજ વાલોડ પોલીસ મથકે ૬ અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500