બારડોલીના કેનાલ લિંક રોડ ઉપર રૂપિયા ૨.૭૫ લાખ રોકડા ભરેલ બેગ લઈ માલિકને જમા કરાવવા નીકળેલા બાઈક સવાર ત્રણ કર્મચારીઓને આંતરીને તમંચા જેવુ હથિયાર બતાવી બેગ લુંટી બાઈક સવાર બે લૂંટારૂ ભાગી છુટ્યા હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીનાં નાંદિડા ચાર રસ્તા નજીક મૈત્રી એન્ટરપ્રાઈઝ નામની હૈદરાબાદની બનાવટની ચોકલેટ વિક્રેતાનું ગોડાઉન આવેલું છે. હોલસેલ ચોકલેટનો વેપાર હોવાથી કંપનીના કર્મચારીઓ અનેક સ્થળોએ ઓર્ડર મુજબનો માલ પહોંચાડી ઉઘરાણી કરે છે.
કંપનીનાં કર્મચારી પોખરાજ ગુજ્જર, સાવરલાલ ગુજ્જર અને રાહુલ ગુજજર કંપનીનાં આઈસર ટેમ્પોમાં વાપી અને પારડી ખાતે ઓર્ડર મુજબનો ચોકલેટનો માલ આપવા ગયા હતા. પાછા ફરતા સમયે તેઓએ બે સ્થળ મળી રૂપિયા ૨,૭૫,૭૦૦/- રોકડાની ઉઘરાણી કરી મોડી રાત્રે નાંદિડા ખાતે કંપનીનાં ગોડાઉનમાં આવ્યા હતા. ટેમ્પો પાર્ક કરી ત્રણે કર્મચારીઓ કંપનીની બાઈક નંબર જીજે/૧૯/એલ/૮૬૦૫ ઉપર સવાર થઈ નાંદિડા ચોકડીથી તુલસી હોટલ પાસેથી પસાર થતા કેનાલ લિંક રોડ દ્વારા બારડોલીનાં કમલા પાર્ક મુકામે રહેતા માલિક પ્રકાશ શાંતિલાલ જૈનના ઘરે રોકડા રકમ જમા કરાવવા જવા નીકળ્યા હતા.
તે દરમિયાન મોડી રાત્રીના ૧:૩૦ થી ૧:૪૫નાં સમય આસપાસ રોડની મધ્યમાં ઉભા રહેલા બે ઈસમોએ હાથ બતાવી તેઓને ઉભા રાખ્યા હતા. તમંચા જેવુ હથિયાર બતાવી બંને ઈસમોએ કર્મચારીના ગળામાં ભેરવેલી રોકડા રૂપિયા ભરેલી બેગ છીનવી તેઓની સાથે લાવેલ બાઈક ઉપર ભાગી છુટયા હતા. જોકે લુંટ સમયે કર્મચારીએ ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢતા લુંટારુંઓએ કર્મચારીનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો તેમજ સાથે આવેલ અન્ય કર્મચારીના મોબાઈલ ફોન ઉપરથી માલિક પ્રકાશ જૈનનો સંપર્ક કરી જાણ કરાતા માલિકે તાત્કાલિક બારડોલી પોલીસ મથકે જાણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500