Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી 5 કિલોથી વધુ ગાંજાનાં જથ્થા સાથે બે ઝડપાયા

  • June 08, 2024 

ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનું કારસ્તાન બહાર આવ્યું છે. રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસે 5  કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મૂળ ઝારખંડના અને હાલ મોરબીના રંગપર બેલા ગામે રહેતા રાસીકા ફુલચાંદ ગોપ (ઉ.વ.23) અને પરશોતમ ગુરૂ ગોપ (ઉ.વ.21)નાંને ઝડપી લીધા હતા. સપ્લાયર તરીકે ઝારખંડના શખ્સનું નામ ખુલ્યું છે. રાજકોટ રેલ્વે પોલીસ મથકના પીઆઈ એચ.એમ. રાણાને મળેલી બાતમીના આધારે એલ.સી.બી. પી.એસ.આઈ. જયુભા પરમારે પ્લેટ ફોર્મ નં.1 પાસે ઉભેલા બંને આરોપીઓના થેલાની તલાશી લેતા અંદરથી 5 કિલો 95 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત પોલીસે રૂપિયા 59,500/- ગણી હતી.


તેમજ 2 મોબાઈલ ફોન તેમજ બીજો સામાન મળી કુલ રૂપિયા 76,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એન.ડી.પી.એસ.નાં કેસમાં રેડીંગ પાર્ટી નિયમ મુજબ તપાસ કરી શકતી નથી. જેથી આ કેસની તપાસ જામનગર રેલ્વેના પી.એસ.આઈ. પી.વી.ડોડીયાને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, ઝડપાયેલા બંને આરોપી માત્ર કેરીયર છે. તેમના વતનનો મસ્તાન નામનો શખ્સ ઝારખંડથી ટ્રેનમાં આ ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો. મસ્તાન વાંકાનેર રેલ્વે સ્ટેશને ઉતરી ગયો હતો. તેણે બંને આરોપીઓને કોચ અને સીટ નંબર આપી ગાંજાનો જથ્થો લઈ લેવાનું કહેતાં આરોપીઓએ તેમ કર્યું હતું. ગાંજાનો જથ્થો લઈ લીધા બાદ બંને આરોપીઓ મસ્તાન કહે ત્યાં ડિલેવરી આપવા જવાના હતા. પરંતુ તે પહેલા જ બાતમી મળી જતાં રેલ્વે પોલીસની ઝપટે ચડી ગયા હતા. બંને આરોપીઓ હાલ રંગપર બેલા ગામે આવેલી સિરામીક ફેકટરીમાં નોકરી કરે છે. જામનગર રેલ્વે પોલીસે 3 દિવસનાં રિમાન્ડ પર લઈ સપ્લાયર મસ્તાનને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application