મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકાનાં ફૂલવાડી ગામનાં ત્રણ રસ્તા પાસેથી ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં ટેમ્પોમાં ટૂંકા દોરડા વડે બાંધી તેમજ ભેંસો માટે ઘાસચારાનો ખોરાક અને પાણીની વ્યવસ્થા કે કોઈ પ્રાથમિક સારવારનાં મેડીકલ સાધનો વગર તથા ભેંસોને લઈ જવા માટે કોઈ સક્ષમ અધિકારીનાં પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસરનાં પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ૧૬ ભેંસોને લઈ જતાં ચાલક અને ક્લીનરને કુલ રૂપિયા ૨૦ લાખનાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૨/૧૨/૨૦૨૪નાં રોજ પી.સી.આર. વાનમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન તાપી કંટ્રોલમાંથી ટેલીફોનીક વર્દી મળી હતી હતી કે એક આઈસર ટેમ્પો નંબર જીજે/૨૨/યુ/૪૩૨૬માં બે ઈસમો ભેંસો ભરીને પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ફૂલવાડી ત્રણ રસ્તા પાસે આવી છુટા છવાયા વોચમાં ગોઠવાયા હતા. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતાં પોલીસે ટેમ્પો ચાલકને હાથનાં ઈશારે ઉભો રખાવ્યો હતો અને પોલીસે ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ રીયાઝ અજીમખાન હમીદખાન પઠાણ અને સહિર ઉર્ફે સાહિર ઐયુબભાઈ રફીકભાઈ મકરાણી (બંને રહે.જમાદાર ફળિયું, સેલંબા ગામ, તા.સાગબારા, જિ.નર્મદા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ચાલક અને ક્લીનર બંનેને સાથે રાખી ટ્રકની પાછળ બોડીનાં ભાગે ત્રાડપત્રી ઉઘાડી, ફાલકો ખોલાવી જોતા ટેમ્પોની અંદર ખીંચોખીંચ ૧૬ ભેંસો જોવા મળી હતી.
જોકે પોલીસે આ ભેંસો ક્યાંથી ભરી ક્યાં લઈ જવાના છે જે બાબતે પૂછતા આ ભેંસો સાગબાર તાલુકાના સેલંબા ગામેથી ભરી મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા ખાતેના શાકભાજી માર્કેટની બાજુમાં આવેલ માર્કેટમાં વેચાણ માટે લઈ જતાં હતા અને કોણે ભરી આપેલ હતા તે અંગે પૂછતા તોશીબ હનીફ મકરાણી (રહે.જમાદાર ફળિયું, સેલંબા ગામ, સાગબારા, જિ.નર્મદા)હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે ૧૬ ભેંસો જેની કિંમત રૂપિયા ૪,૮૦,૦૦૦/- અને ટેમ્પોની કિંમત ૧૫ લાખ તેમજ ૨ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી સંતોષભાઈ ગિરધરભાઈની ફરિયાદના આધારે પકડાયેલ ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500