સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે જીઆરડી જવાનો પર બુધવારે રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના માંડવીના રધીપુરાથી લાડકુવા તરફ જતા રસ્તે બની હતી. તેઓ મોટર સાઇકલ પર જઈ રહ્યા હતા તે સમયે અચાનક દીપડો ધસી આવ્યો હતો અને તેમના પર હુમલો કરી દીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુધીરભાઈ કવાભાઈ ચૌધરી અને સાવનભાઈ કમલેશભાઈ ચૌધરી (બંને રહે.રેગામા-રધીપુરા, તા.માંડવી,જિ. સુરત) માંડવી પોલીસ મથકમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) તરીકે નોકરી કરે છે.
બુધવારે રાત્રે બંને જવાનો મોટર સાઈકલ લઈને નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે રધીપુરા થઈ લાડકુવાથી ગોડધા રોડ વચ્ચે રસ્તા પર દીપડો બેઠો હતો જે અચાનક તેમની મોટર સાઇકલ તરફ ધસી આવી તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાછળ બેઠેલા સાવનભાઈ ચૌધરીના પગમાં દીપડાના દાંત વાગ્યા હતા, જ્યારે સુધીરને પગમાં દીપડાના નખ વાગ્યા હતા. જીઆરડી જવાનોએ હિંમત બતાવીને દીપડાને લાત મારીને ભગાડયો હતો અને તેઓ મોટરસાઇકલ લઈને જીવ બચાવીને ભાગ્યા હતા. ત્યારબાદ તેઓ માંડવી પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવ્યા બાદ વન વિભાગને જાણ કરી હતી. હાલમાં બંને જવાનો સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500