સોના ચાંદીના વેપારીની ઓડિટ રિપોર્ટમાંની 35 લાખ રૂપિયાની ક્ષતિને છાવરવા માટે 1.25 લાખ રૂપિયાની લાંચ લેતાં CGSTના બે અધિકારી ઝડપાયા હતા. સીજીએસટીના ઓડિટ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ મોહમ્મદ રિઝવાન શેખ અને સીજીએસટી ઓડિટ વર્ગ-1ના ઈન્સ્પેક્ટર કુલદીપ મુલંચદ કુસવાહાને લાંચની રકમ સ્વીકારતા એન્ટિ કરપ્શન બ્યુરોએ ટ્રેપ કર્યા છે. આ અધિકારી ઉપરાંત ભૌમિક ભરત સોની પણ ટ્રેપ થયા છે. આ ત્રણેયે સ્વીકારેલી 1.25 લાખની લાંચની પૂરી રકમ જપ્ત કરી લેવામાં આવી છે. અમદાવાદમાં સી.જી. રોડ પર ઇસ્કોન આર્કેડ પાસે ગોલ્ડ સુકનના શો રૂમ અંબિકા ટચમાં લાંચની રકમનો સ્વીકાર કરતાં તેમને એન્ટિ કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા હતા. લાંચની રકમ ભૌમિકે સ્વીકારી હતી.
પરંતુ તેને આ કેસ સાથે કોઈ જ લેવા દેવા નથી. તેના ભાઈ નિશાંતને મોહમ્મદ રિઝવાન શેખે ફોન કરીને જણાવ્યું હતું કે, દાગીના લેવાના હોવાથી તેને માટે પૈસા મોકલાવી રહ્યો છે. આ પૈસા સ્વીકારી લેવા જણાવ્યું હતું. પરંતુ નિશાંત બહાર હોવાથી નિશાંતે તેના ભાઈ ભૌમિકને પૈસા લીધા હતા. તેથી જ એન્ટિ કરપ્શન બ્યુરોએ ભૌમિકને આરોપી બનાવ્યો નથી. ફરિયાદી જવેલર્સની સોના-ચાંદીના દાગીનાની પેઢી ચલાવતી વ્યક્તિને આ સીજીએસટીના ઈન્સ્પેક્ટર કુલદીપ કુશવાહે જુલાઈ 2017થી માંડીને માર્ચ, 2019-20ના વર્ષના ઓડિટ રિપોર્ટ પ્રમાણે વ્યાજ અને દંડ સાથે ભરવાપાત્ર રકમ અંદાજે 35 લાખ રૂપિયા થાય તેમ હોવાનું જણાવીને જવેલર્સનો નોટિસ આપી હતી.
આ નોટિસના અનુસંધાનમાં ચર્ચા કરવા માટે તેમના વકીલને મોકલી આપવાની સૂચના આપવામાં આવી હતી. આ નોટિસના અનુસંધાનમાં મળવા માટે સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરે સંબંધિત પક્ષકારને તેમની ઓફિસે મળ્યા હતા. 2019-20ના વર્ષના ઓડિટ રિપોર્ટમાંની ક્ષતિ માટે વ્યાજ અને દંડ પેટે 35 લાખ રૂપિયા ભરવાના થતાં હોવાનું જણાવ્યું હતું. ઓડિટ રિપોર્ટમાંની ક્ષતિનો રિપોર્ટ પોતાને તથા પોતાના વકીલને મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ વેપારીને 27000 રૂપિયાનું ચલણ ભરવાની સૂચના આપી હતી. પરંતુ દંડની રકમ ઓછી કરવા 1.25 લાખ રૂપિયાની લાંચની રકમની માગ કરી હતી. વેપારી લાંચની રકમ આપવા તૈયાર ન હોવાથી તેમણે એન્ટિ કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોએ લાંચનું છટકું ગોઠવી દીધું હતું લાંચની રકમ સ્વીકારતાં ભરત ભૌમિક સોનીને એ.કે. ચૌહાણે ઝડપી લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500