મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં RTO પાસેના સુરત-ધુલિયા નેશન હાઈવે નંબર-53 પરના જાહેર રોડ ઉપરથી પરવાની વગર ટ્રકમાં 16 ભેંસો લઈ જનાર ચાલક અને તેનો એક સાથેને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ટ્રક માલિકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ નાઈટ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા તરફથી એક ટ્રકમાં બે ઈસમો રાત્રિના સમયે ટ્રકમા ભેંસો ભરીને પસાર થનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢના RTO પાસે છુટા છવાયા વોચમા ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળો ટ્રક નંબર GJ/24/V/7878ને આવતા જોઈ તેણે રોકી ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ઈકબાલ ગનીભાઈ સિપાઈ (મૂળ રહે.દસાડા તળાવની પાળ, તા.પાટળી, જિ.સુરેન્દ્રનગર) અને તેના સાથેના ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ શાહરૂખખાન સાજીદખાન સિપાઈ (રહે.જુનાડીસા, તા.ડીશા, જિ.બનાસકાંઠા)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રકમાં ભરેલ ભેંસોને ટૂંકી દોરડી બાંધી ભેંસો માટે ઘાસ ચારાની વ્યવસ્થા કે કોઈ પ્રાથમિક સારવારના મેડિકલ સાધનો વગર તથા ભેંસોને લઈ જવા માટે કોઈ સમક્ષ અધિકારીની પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા ખાતે ભરાતા મીના માર્કેટમાં વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યા હતા.
આમ પોલીસે 16 ભેંસો જેની કિંમત રૂપિયા 3,20,000/- અને 2 નંગ મોબાઈલ તથા ટ્રક મળી કુલ રૂપિયા 13,33,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસે ભેંસો ભરી આપનાર તથા ટ્રકના માલિક અઝરભાઈ મલેકને પણ આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ બંને વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવમાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500