ટ્વિટરનાં નવા માલિક ઈલોન મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, હવે બ્લૂ ટિક માટે યુઝર્સે ચાર્જ આપવો પડશે. બ્લૂ ટિકની પ્રક્રિયામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જે યુઝર્સનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે તેમણે મહિને 20 ડોલર એટલે કે અંદાજે 1600 રૂપિયા ટ્વિટરને ચૂકવવા પડશે. ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે એક ટ્વિટર યુઝરની ટ્વીટનો જવાબ આપ્યો હતો. ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, સ્પેસક્રાફ્ટના સારામાં સારા ફોટોગ્રાફ્સ પાડયા હોવા છતાં એનું વેરિફિકેશન ચાર-ચાર વખત રદ્ થયું છે.
તે સંદર્ભમાં ઈલોન મસ્કે લખ્યું હતું ટૂંક સમયમાં બ્લૂ ટિક માર્કની આખી પ્રક્રિયામાં ફેરફાર થઈ રહ્યો છે. તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો કરાયો હતો કે, ઈલોન મસ્ક ટ્વિટરના બ્લૂ માર્ક યુઝર્સ માટે ખાસ પ્લાન લાવશે. એ પ્રમાણે દરેક બ્લૂ ટિક માર્ક યુઝરે 20 ડોલરનો ચાર્જ આપવો પડશે. બ્લૂ ટિક માટે દર મહિને ઓછામાં ઓછા 1600 રૂપિયાનો ખર્ચ કરવાનો થશે. દાવો તો ત્યાં સુધી થયો હતો કે ટ્વિટરના કર્મચારીઓને આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે.
કર્મચારીઓએ પ્લાન તૈયાર કરીને રજૂ કરવા માટે 7મી નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અગાઉ એવી અટકળો હતી કે ટ્વિટર દર મહિને બ્લૂ સબસ્ક્રાઈબર્સ પાસેથી પાંચ ડોલરની ફી વસૂલશે. ટ્વિટરની બ્લૂ ટિકની પ્રક્રિયામાં ખરેખર કેટલો ફેરફાર થશે અને બ્લૂ ટિક મેળવવાની ઈચ્છા ધરાવતા નવા યુઝર્સ માટે કેવા નિયમો અને પ્લાન હશે તે બાબતે પણ કંઈ કહેવાયું ન હતું. પરંતુ હવે એના માટે પૈસા ચૂકવવા પડશે એવું મનાઈ રહ્યું છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદી લીધા બાદ ટ્વિટરમાં બ્લૂ ટિક હટાવવાનો ટ્રેન્ડ બન્યો હતો. અસંખ્ય યુઝર્સે બ્લૂ ટિકની સુવિધા બંધ કરવાની માંગણી કરી હતી. અગાઉ પણ બધા જ યુઝર્સના એકાઉન્ટ એક સરખા રાખવાની હિમાયત થઈ ચૂકી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500