નેપાળની ખાનગી કંપનીનું 43 વર્ષ જૂનું પ્રવાસી વિમાન રવિવારે હિમાલયના પર્વતોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં ચાર ભારતીય સહિત 22 પ્રવાસીઓ સવાર હતા. આ અકસ્માતમાં પાઈલટ અને ક્રૂ સહિત તમામ પ્રવાસીઓના મોતની શંકા સેવાઈ રહી છે. ખરાબ હવામાનના કારણે પોખરાથી ઉડ્ડયન ભર્યાની થોડીક જ મિનિટમાં વિમાન ગુમ થઈ ગયું હતું અને કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નેપાળના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પોખરાથી ઉડ્ડયન કર્યા પછી ગુમ થઈ ગયેલા વિમાનને શોધવા માટે નેપાળના સૈન્ય અને પોલીસે અભિયાન હાથ ધર્યું હતું.
નેપાળી સૈન્યના મેજર જનરલ બાબૂરામ શ્રેષ્ઠે રવિવારે સાંજે જણાવ્યું કે, ગુમ વિમાનનો સળગતો કાટમાળ મુસ્તાંગ જિલ્લાના ઉપરી વિસ્તારમાંથી મળી આવ્યો છે. નેપાળી સૈન્યનું રેસ્ક્યુ હેલિકોપ્ટર અકસ્માતગ્રસ્ત સ્થળે પહોંચ્યું છે. તારા એરના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ટ્વીન ઓટર 9એન-એઈટી પ્રવાસી વિમાન રવિવારે સવારે 9.55 વાગ્યે પોખરાથી ઉડયું હતું. તેની 15 મિનિટ પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાને હિમાલયના પશ્ચિમી ક્ષેત્રના જોમ્સમમાં સવારે 10.15 વાગ્યે ઉતરાણ કરવાનું હતું.
જોકે વિમાનમાં ભારતના ચાર, જર્મનીના બે અને 13 નેપાળી નાગરિક સવાર હતા. આ સિવાય ત્રણ ક્રૂ મેમ્બર હતા. વિમાનના પાયલટ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ધિમિર હતા. તેમની સાથે ઉત્સવ પોખરેલ સહ પાયલટ અને કિસ્મી થાપા એર હોસ્ટેસ હતી. નેપાળ ટેલિકોમ મંત્રાલયે જણાવ્યું કે, વિમાનના કેપ્ટનના સેલ ફોન પર રિંગ વાગી રહી હતી. તેમનો ફોન ટ્રેક કરીને તેના આધારે સંભવિત ક્ષેત્રમાં બચાવ ટૂકડીનું હેલિકોપ્ટર પહોંચ્યું છે અમે નેપાળ સૈન્ય અને નેપાળ પોલીસના જવાનોને પણ વિમાન શોધવા પગપાળા મોકલ્યા છે.
નેપાળમાં વિમાન દુર્ઘટના પછી ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને જણાવ્યું કે, તે ગુમ પ્રવાસીઓના પરિવારના સંપર્કમાં છે સાથે જ ઈમર્જન્સી હોટલાઈન નંબર (+૯૭૭-૯૮૫૧૧૦૭૦૨૧) જાહેર કર્યો હતો, જેના પર વધુ માહિતી મેળવી શકાય છે.
જોમસોમ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા મુજબ, જોમસોમના ઘાસામાં તીવ્ર અવાજ આવ્યો હોવાનો એક અસ્પષ્ટ રિપોર્ટ છે. એરલાઈન સૂત્રોનું કહેવું છે કે, વર્તમાનમાં પોખરા-જોમસોમ માર્ગ પર હવામાનની સ્થિતિ વરસાદની સાથે વાદળ છવાઈ હતી, જેના કારણે શોધ અભિયાન પર અસર થઈ રહી છે.
આ પહેલાં નેપાળના ગૃહમંત્રી બાલકૃષ્ણ ખંડે અધિકારીઓને ગુમ વિમાનને શોધવાનું અભિયાન તીવ્ર કરવા નિર્દેશ આપ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, વિમાનને છેલ્લે ધૌલાગિરી શિખર તરફ વળતા ટ્રેક કરાયું હતું. એરલાઈન વેબસાઈટ મુજબ તારા એર નેપાળી પર્વતોમાં સૌથી નવી અને સૌથી મોટી એરલાઈન સર્વિસ પ્રોવાઈડર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500