સંસ્કૃતિ અને પ્રકૃતિના આ વારસાનુ જતન અને સંવર્ધન કરવા સાથે, ભાવિ પેઢીને તેનાથી અવગત કરાવી શકાય તેવા પ્રયાસના ભાગરૂપે વઘઇના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ‘રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ’ની સંકલ્પના સાકાર કરવામા આવી છે. વઘઇનુ ‘રિસોર્સ સેન્ટર’ એટલે એક એવો સ્ત્રોત, કે જ્યાંથી જિલ્લાની લગભગ તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ થઈ શકે. ભૌગોલિક સાંસ્કૃતિક, ઐતિહાસિક માહિતીની સાથે સાથે જિલ્લાની આંકડાકીય વિગતો પણ આર્ટ એન્ડ ક્રાફ્ટના માધ્યમથી ઉપલબ્ધ કરાવી શકાય.
જિલ્લાની વિશિષ્ટતા, તેની આગવી ઓળખ, પ્રજાજનોની જીવનશૈલી, ઐતિહાસિક ઘટનાઓ, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો, વ્યક્તિ વિશેષ, સાહિત્ય અને ખેલ જગત સાથે સંકળાયેલી વિગતોનુ સંગ્રહિત અને આધારભૂત કક્ષ એટલે આ ‘રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ’. ભાવિ પેઢીના ઘડવૈયા એવા ગુરૂજનો-શિક્ષકો માટે જ્યાંથી જ્ઞાનની ગંગોત્રીનુ પ્રાગટ્ય થાય છે, તેવા પવિત્ર સ્થળ એવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કાર્યરત આ સેન્ટર ગુરૂજનોના માધ્યમથી બાળકોને સંસ્કૃતિ-પ્રકૃતિ, અને વારસાના જતન સંવર્ધનનો મૂક સંદેશો પહોંચાડે છે.
ઉલ્લેખનિય છે કે, જ્ઞાનની ગંગોત્રી જ્યાંથી વહે છે તેવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇના આ ‘રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ’મા પ્રકૃતિ, સંસ્કૃતિ, અને વારસાનો ત્રિવેણી સંગમ રચતા ખૂબ જ કલાત્મક રીતે ફૂલદાની, કુંજા સજાવટ, વૉલપીસ, ઝુમ્મર, માટીકામ, ગ્લાસ પેઇન્ટિંગ, રેત ચિત્રો, ભૌમિતિક આકારોમાંથી ચિત્રો, રંગપૂરણી, કાગળ કામ, છાપકામ જેવી વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી તૈયાર કરાયેલા ઉત્કૃષ્ટ નમુનાઓ, ડાંગની ભાતિગળ લોક સંસ્કૃતિનો મૂક સંદેશ આપી તેનુ ગૌરવ જ્ઞાન કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500