દેશભક્તિના રંગે રંગાયેલા ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે 'સ્વતંત્રતા પર્વના રિહર્સલ' સહિત 'મેરી માટી, મેરા દેશ' અને 'તિરંગા યાત્રા'ના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વઘઇ સ્થિત સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કલેકટર સહિતના ઉચ્ચાધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા પર્વનું રિહર્સલ યોજાયું હતું. ત્યારબાદ વઘઇ સર્કલ થઈ તાલુકા સેવા સદન સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં ઉચ્ચાધિકારીઓ સહિત વઘઇના નગરજનો, ડાયેટ, કૃષિ કોલેજ, પોલીટેક્નિક કોલેજ, માધ્યમિક શાળા, તાલુકા શાળા, અને છાત્રાલયના વિદ્યાર્થીઓ, ગુરુજનો, પોલીસ ફોર્સના જવાનો મળી ૧૨૫૦થી વધુ લોકો જોડાયા હતા.
રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમ દરમિયાન વઘઇ સર્કલ સ્થિત ગાંધીજીની પ્રતિમાની સાક્ષીએ મહાનુભાવો તથા નગરજનો, અને વિદ્યાર્થીઓએ 'પંચ પ્રણ પ્રતિજ્ઞા' પણ લીધી હતી. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક સહિત, નિવાસી અધિક કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, ડાયેટના પ્રાચાર્ય, કાર્યપાલક ઈજનેર, મામતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500