ગુજરાત રાજ્યના પ્રવાસન વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરતા જણાવ્યું કે, અયોધ્યામાં શ્રી રામ જન્મ ભૂમિની યાત્રાએ જતા રાજ્યના આદિવાસી સમાજના લોકોને રૂપિયા 5,000/-ની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં શબરી ધામ ખાતે એક મેળાવડામાં રાજ્ય પ્રવાસન વિકાસ મંત્રીએ આ જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે દશેરા પર્વ પર ભગવાન રામ સાથે જોડાયેલા રાજ્યમાં વિવિધ સ્થળે ઉજવણી કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું વિશાળ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આદિવાસી શ્રદ્ધાળુઓને આ માટે યાત્રા પર જવા રૂપિયા 5,000/-ની રોકડ સહાય કરવામાં આવશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે એક સર્કિટ બનાવી રહી છે જેમાં ડાંગના સાપુતારા અને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેના આદિવાસી વિસ્તારને આવરી લેવાશે. ગુજરાતમાં આગામી વર્ષે ડિસેમ્બર આસપાસ વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે. આ પ્રસંગે વલસાડના સાંસદ કે સી પટેલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંકલ્પ કર્યો છે અને કેન્દ્ર સરકાર તેમજ ઉત્તર પ્રદેશ સરકારે આ માટે સંયુક્ત રીતે કામ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500