Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલન યોજાયું, રાહુલ ગાઁધીએ ભાજપ પર પ્રહારો કર્યા

  • May 10, 2022 

દાહોદમાં કોંગ્રેસના આદિવાસી સંમેલન માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે. રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલન યોજાયું. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની ગુજરાતમાં સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી વિસ્તારથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર શરૂ કર્યા. સત્યાગ્રહ આંદોલનના મંચ પરથી રાહુલ ગાઁધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર ભારતના ભાગલા પાડ્યાનો આરોપ મૂક્યો.


સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, આ પબ્લિક મીટિંગ નહિ, પણ આંદોલન અને સત્યાગ્રહની શરૂઆત છે. 2014 માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા, તે પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યુ, તે આજે દેશભરમાં કરી રહ્યાં છે. જેને ગુજરાત મોડલ કહેવાય છે, આજે બે ભારત બની રહ્યાં છે. એક અમીરોનું ભારત, જેમાં સિલેક્ટેડ લોકો, અરબપતિ, બ્યૂરોક્રેટ્સ છે, જેમની પાસે સત્તા, ધન, અહંકાર છે. અને બીજુ ભારત સામાન્ય નાગરિકો છે. પહેલા ગુજરાતમા ટેસ્ટીંગ બાદ ભારતમાં લાગુ કરાયું. અમે બે ભારત નથી માંગતા, અમને એક ભારત જોઈએ, જેમાં સૌનો આદર થાય, સૌને તક મળે, શિક્ષા મળે, સૌને આરોગ્ય સેવા મળે.  બીજેપીના મોડલમાં જનતાનુ ધન કોઈ ઉદ્યોગપતિનુ નથી, એ તમારું છે. આદિવાસીઓ અને ગરીબોનું અને દેશના દરેક નાગરિકોનું છે. પરંતુ તેનો ફાયદો તમને મળતો નથી. યુપીએ સરકારમાં અમે પ્રયાસ કર્યા કે, દેશનુ ધન જળ, જંગલ, જમીનનો ફાયદો ભારતના સામાન્ય લોકોને મળે. અમે મનરેગા, જમીન અધિકરણ બિલ આપ્યું. કોરોના કાળમાં જો મનરેગા ન હોય તો દેશની પરિસ્થિતિ ખરાબ હોત. આ જ પ્રોગ્રામને આજે બીજેપી ચલાવે છે. 


તેમણે કહ્યું કે, નોટબંધીથી દેશને કોઈ ફાયદો ન થયો. નોટબંધીમાં પીએમ મોદીએ લોકોને લાઈનમાં ઉભા રાખ્યા. કાળા ધનથી લોકોને કંઈ ન મળ્યુ, પણ અરબપતિઓને ફાયદો થયો. તેના બાદ જીએસટી લાગુ કર્યું, જેનાથી કોઈ ફાયદો ન થયો. તેમણે જે કર્યુ તે બે ભારત બનાવવા કર્યું. અમીરો માટે આજે કોઈ કાયદો નથી, બીજા ભારતમાં લાખો કરોડો લોકો ગરીબીમાં રહે છે. કોરોના સમયે ન લોકોને ઓક્સિજન મળ્યુ, ન વેન્ટીલેટર મળ્યું. ગુજરાતમાં કોરોનામાં 3 લાખ લોકો મર્યા તેવુ કહેતા નથી. પણ એમ કહે છે કે મોબાઈલ ફોનની લાઈટ ચલાવો. 3 લાખ લોકોના મોત પર કોઈ સવાલો કરાતા નથી. ગુજરાતના આદિવાસીઓ વિશે તેમણે કે, અહીનું ધન જળ, જમીન, જંગલ તમારુ છે. તે ગુજરાતની સરકારનું અને તમારા મુખ્યમંત્રીનુ નથી. તે ગુજરાતના ગણ્યાગાઠ્યા ઉદ્યોગકારોનુ નથી. આજે આ જમીન, જળ જંગલનો ફાયદો તમને મળતો નથી. ગુજરાતનો દરેક આદિવાસી આ વાતને ઊંડાણથી વિચારે છે. આદિવાસીને આરોગ્ય સુવિધા નથી મળતી. અહી સરકારી શાળા, સરકારી કોલેજ બંધ કરવામાં આવી રહ્યાં છે. બધુ ખાનગીકરણ કરાઈ રહ્યું છે. ચાર-પાંચ લોકો પાસે શિક્ષણ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થાય, રોડ-રસ્તા-પુલ બને છે, દરેક ઈંટ પર આદિવાસીનો હાથ લાગે છે. તમે ગુજરાત બનાવ્યું, પણ તમને શું મળ્યું? ન શિક્ષણ, સ્વાસ્થય, રોજગાર કંઈ જ ન મળ્યુ. ગુજરાતના દરેક આદિવાસીના દિલની અવાજ તમારામાં બંધ છે. અમે આ અવાજને રસ્તા પર લાવવા માંગીએ છીએ. જેથી ગુજરાતની સરકાર આદિવાસીઓના દિલની વાત સાંભળે.  


તેમણે કહ્યું કે, જો અમારી સરકાર આવશે તો અમે ગેરેન્ટીથી આ કામ કરી આપીશુ. ગુજરાતમાં ખાનગીકરણમાં ફાયદો ગણતરીના લોકોને જ થઈ રહ્યો છે. છત્તીસગઢમાં અમે અંગ્રેજી મીડિયમ શાળા શરૂ કરાવી, જે સરકારી શાળા છે. જેમાં ગરીબમાથી ગરીબ બાળકો અંગ્રેજી શીખી શકે. ગુજરાતમાં મોટા પ્રોજેક્ટ, મૂર્તિઓ બને છે, તમારુ પાણી છીનવીને અરબપતિઓને અપાય છે. કોંગ્રેસ અહી જીતશે તો રિવરલિંકનો પ્રોજેક્ટ અમે બંધ કરાવી દઈશુ. બિસરા મુંડા, ગોવિંદ ગુરુનુ નામ લઈને કહ્યુ કે, ગુજરાતના આદિવાસી યુવકોએ એકસાથે મળીને સંઘર્ષ કરવો પડશે. બીજેપીની સરકાર તમને કંઈ નહિ આપે, પણ તમારે લેવુ પડશે. જે તમારુ છે એ છીનવી લેશે, તેથી હવે તમારો વારો છે. જિજ્ઞેશ મેવાણીનુ નામ લઈને કહ્યુ કે, અહી આંદોલન કરવા માટે પરમિશનની જરૂર પડે છે. તેમને ત્રણ મહિનાની જેલ આપી. પણ હુ જિજ્ઞેશને જાણુ છું, તેને દસ વર્ષની જેલ કરશો તો પણ કંઈ ફરક નહિ પડે. તમારે નવુ ગુજરાત બનાવવુ પડશે, તમારા રોજગાર, ભવિષ્ય, શિક્ષા, સ્વાસ્થયની વાત છે. આ લોકો બે ત્રણ અરબપતિઓને તમારુ ભવિષ્ય વેચવા માંગે છે. જૂના કોઓપરેટિવ મોડલને અમે ગુજરાતમાં લાવવા માંગીએ છીએ. આજે બે-ત્રણ લોકો સરકાર ચલાવે છે, નાગરિકો ડરેલા છે. હવે તમારે સત્ય માટે લડવુ પડશે. 



કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીએ આદિવાસી પરંપરાથી છોડ આપીને તેમનુ સ્વાગત કર્યુ હતું. તીર-કામઠાથી રાહુલ ગાંધીનુ સ્વાગત કરી વારલી પેન્ટિંગ ભેટમાં અપાયું. તો વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ રાહુલ ગાંધીની સભામાં જોવા મળ્યા હતા. હાલ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીના કાર્યક્રમને પગલે દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેણે ફરી પોતાનો સૂર બદલ્યો હતો. તેમણે એક નિવેદનમાં કહ્યુ કે, કોંગ્રેસમાં જ છું અને પક્ષને 100 ટકા આપીશ. મારી પક્ષ સાથે જોડાયેલી બાબતોનું નિરાકરણ પણ ચોક્કસ આવશે. હું આજે રાહુલ ગાંધી સાથે ચર્ચા ચોક્કસ કરીશ. હું પાર્ટીમાં છું અને મારી ભુમિકા નિભાવું છું. નરેશ પટેલ આવે એટલે બધા રાજી થાય છે. નરેશભાઈ જલદી નિર્ણય લે તેવી મારી વિનંતી છે. રાહુલ ગાંધીના પ્રવાસ સમયે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અપીલ કરી છે. તેમણે ભાજપ-કોંગ્રેસ બંનેને આદિવાસી પ્રમાણપત્ર અંગે રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ કહ્યુ કે, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે જાહેરાત કરો. કેજરીવાલ અને છોટુ વસાવાએ કોઈ ચર્ચા નથી કરી. ત્યારે ભાજપ અને કોંગ્રે બંને પક્ષ વિશેષ ચર્ચા કરે તેવી મનસુખ વસાવાએ અપીલ કરી છે. ખોટા પ્રમાણપત્રો માટે મનસુખ વસાવાએ આવાજ ઉઠાવ્યો હતો પણ આદિવાસી નેતાઓ અને આદિવાસી સંગઠનોની નિષ્ક્રિયતાના કારણે કોઈ પરિણામ આવતું નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application