ગુજરાત સરકારની આદિવાસી કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને ખેતીલક્ષી યોજનાની કીટ, દુધાળા પશુ સહાય, મંજૂરીપત્ર અને ચેક વિતરણ કાર્યક્રમ રાજયના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી સુરખાઇ, ચીખલી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તમામ લોકોની ચિંતા કરી વ્યકિતગત લાભો તેના ઘર સુધી પહોચે તે માટે પ્રયત્નશીલ છે. જેમાં ખાસ કરીને આદિજાતિના લોકોને માળખાકીય સુવિધા, સારા રસ્તા, પાણી, વિજળી, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ આપી રહી છે. આદિજાતિના દરેક લાભાર્થીઓને લાભ મળવો જ જોઇએ મંત્રીએ આદિજાતિ વિભાગ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગની તમામ યોજનાઓ વિશે સવિસ્તાર જાણકારી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું.
મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વાસ્થ્યલક્ષી અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં સ્કિનીંગ લઇને સારવાર સુધીની સેવા આપવામાં આવશે. જેમાં ૩૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને લાભ થશે. રાજય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા ઉપસ્થિત તમામને જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં રૂ.૮૨૩.૯૯ લાખના ખર્ચે કુલ ૧૬૩૯૯ લાભાર્થીઓને કિટ વિતરણ, રૂ.૪૭૨.૩૨ લાખના ખર્ચે ૯૫૦૩ વ્યકિતગત લાભાર્થીઓને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અન્વયે કિટ વિતરણ કરવામાં આવશે. આદિમજૂથ જાતિના લોકોના વિકાસ યોજના અન્વયે ૧૦૦ આવાસ માટે ૧૨૦-૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. પીવાના પાણી માટે ઘેર ઘેર નળ કનેકશન યોજના માટે રૂ.૪૦-૦૦ લાખની જોગવાઇ મંજૂર કરાઇ છે. બેરોજગાર આદિજાતિના ભાઇઓ-બહેનોને રોજગારી માટે ગુજરાત સરકારની ૪ ટકા તેમજ ભારત સરકારની ૬ ટકા વ્યાજે લોન આપવામાં આવે છે. આ અવસરે મંત્રી નરેશભાઇ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૧૬ જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય મંજૂરી પત્ર અને ચેક વિતરણ એનાયત કરાયા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500