Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પરત ખેંચી : હીટ એન્ડ રનમાં નવો નિયમ હાલ લાગુ નહી કરાય : AIMTC

  • January 03, 2024 

ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાળ બાદ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનની નવી જોગવાઈને હાલ લાગુ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય બાદ ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પરત ખેંચી છે. નવી જોગવાઈના કારણે બસ અને ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે જનજીવન પર અસર થઈ હતી. હવે આ મામલે સરકાર અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે હાલ સમાધાન થઈ ગયું છે. સરકારે નવી જોગવાઈ મોકુફ રાખતા ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પરત ખેંચી છે. અગાઉ અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસની બેઠક અંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, ‘અમે આજે અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.



અજય ભલ્લાએ કહ્યું કે, સરકાર જણાવવા માંગે છે કે, નવા કાયદા અને દંડની જોગવાઈઓ હજુ સુધી લાગુ કરાઈ નથી. તેમણે કહ્યું કે, ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 106(2) લાગુ કરતાં પહેલાં ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કરાશે. ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોની ચિંતા સાંભળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC)ના અધ્યક્ષ અમૃત લાલ મદને ગૃહ સચિવ સાથેની બેઠક બાદ સમસ્યાનું સમાધાન લાવવા અપીલ કરી હતી. તેમણે ડ્રાઈવરોને કહ્યું કે, તમે માત્ર અમારા ડ્રાઈવરો નહીં, સૈનિકો છો. અમે નથી ઈચ્છતા કે તમારે કોઈ અસુવિધાનો સામનો કરવો પડે.



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું..

AIMTC અધ્યક્ષે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે, સરકાર કાયદા હેઠળ 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ મોકુફ રાખશે. તેમણે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક સુધી કોઈ કાયદો લાગુ કરાશે નહીં.



નવી જોગવાઈમાં શું છે..

હવે ભારતીય ન્યાય સંહિતાની ધારા 104(2) હેઠળ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો બેદરકારી અથવા ઝડપી વાહન ચલાવવાના કારણે કોઈનું મોત થાય અને આરોપી ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વગર ઘટના સ્થળેથી ભાગી જાય તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. 7 લાખનો દંડ પણ ભરવો પડી શકે છે. જો આરોપી અકસ્માત સ્થળેથી ન ભાગે તો 5 વર્ષની સજા થઈ શકે છે. આ બંને બાબતો બિનજામીન પાત્ર છે અને સૌથી મોટી વાત આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જામીન નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application