અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1,472 કોન્સ્ટેબલની બદલી કરી દીધી છે. શહેર પોલીસ કમિશનરે જી.એસ મલિકે કરેલા હુકમ પ્રમાણે, શહેરમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરી નાખી છે. કમિશનરના હુકમ પત્રકમાં એવું પણ કહેવાયું છે કે સંબંધિત અધિકારીએ કોઈપણ જાતનો ઊલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દૌર ચાલ્યો છે, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશનરે કરેલી બદલીઓથી પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી છે.
પોલીસ કમિશનર જી. એસ. મલિકે ગઈકાલે એક પરિપત્ર કરીને શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડકાઈથી કામગીરી કરવા આદેશ કર્યો છે. તેમણે શહેરમાં કોઈપણ પોલીસકર્મી આ પ્રકારની કામગીરીમાં ઢીલાશ વર્તશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે એવી પણ પરિપત્રમાં જાણ કરી હતી. લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં અલગ-અલગ વિભાગોના કર્મચારીઓની બદલીનો દૌર શરૂ થયો છે. આજથી એક દિવસ પહેલાં જ રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી હતી. નાણાં વિભાગ દ્વારા ચૂંટણીપંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી હતી.
મોટા ભાગના ડેપ્યુટી કલેક્ટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. અમદાવાદના સાણંદ (ઓલ્ડ-વેજલપુર)ના પ્રાંત ઓફિસર જયકુમાર બારોટની પાટણના સિદ્ધપુરમાં પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. એ સિવાય બનાસકાંઠાના પાલનપુરના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કિરીટ કે. ચૌધરીની સાબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. ઉપરાંત સાબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર બળવંતસિંહ રાજપૂતની સાબરકાંઠાના હિંમતનગરમાં ડીસી-સ્ટેમ્પ ડ્યૂટી તરીકે બદલી કરાઇ છે. એ સિવાય ડાંગના આહવાના પ્રાંત ઓફિસર પ્રિતેશ પટેલની તાપીના વ્યારાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરાઇ છે.
તાપીના વ્યારાના પ્રાંત ઓફિસર એસ. કે. મોવલિયાની ડાંગના આહવાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. તો બોટાદના પ્રાંત ઓફિસર ચરણસિંહ ગોહિલની જૂનાગઢના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. જૂનાગઢના પ્રાંત ઓફિસર ભૂમિ બી. કેશવાલાની સાબરકાંઠાના ડેપ્યુટી ડીઇઓ તરીકે બદલી કરાઇ હતી. છોટાઉદેપુરના પ્રાંત ઓફિસર મયૂર પરમારની આણંદના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. ભરૂચના પ્રાંત ઓફિસર રોનક શાહની ધોરાજી-રાજકોટના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. ડાંગના સાપુતારા એરિયા નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની ડે. કંટ્રોલર-સિવિલ ડિફેન્સ ભાવનગર ખાતે બદલી કરાઈ છે.
બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી. પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે. શાહની ડીસી-એલઆર, O/૦ કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ હતી. આણંદ જિલ્લાના બોરસદમાં પ્રાંત ઓફિસર એચ. ઝેડ. ભાલિયાની બદલી આણંદ જિલ્લાના ઝાલોદમાં પ્રાંત ઓફિસર તરીકે કરવામાં આવી છે. વધુમાં જૂનાગઢ ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા ચાંદની પરમારની રાજકોટ જિલ્લા રાજકોટ શહેર-1માં પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પ્રાંત ઓફિસર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર. એસ. દેસાઇની અમદાવાદ જિલ્લાના વિરમગામના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500