ગુજરાતમાં ઇમિગ્રેશનનું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમીટ તેમજ ટૂરિસ્ટ વિઝા અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની સરકારને ફરિયાદો મળી હતી. ફરિયાદોના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે સીઆઈડી ક્રાઇમની ૧૭ ટીમોએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સમાંતર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન સીઆઈડીને થોકબંધ બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે. આ કૌભાંડમાં શહેરની અન્ય સંસ્થાઓ પણ સીઆઈડીના રડારમાં હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા રોડ પર આવેલા સ્મીત કોમ્પ્લેક્ષમાં સ્ટૂડન્ટ વીઝા, વર્ક પરમીટ તેમજ ટૂરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શુક્રવારે સમી સાંજે શરૂ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. તપાસ દરમિયાન સીઆઈડીએ થોકબંધ બોગસ દસ્તાવેજો મળી આવતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ દસ્તાવેજોની ખરાઇ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલા લોકોને બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવામાં આવ્યા છે, તેની તપાસ ચાલી રહી છે.
આ સંસ્થાના સંચાલક સ્મિત પ્રણવભાઇ શાહ (રહે. કારેલીબાગ)નું નિવેદન લીધા બાદ ચોક્કસ આંકડો બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વૈભવી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઇ હતી. સમી સાંજે પોલીસની એકપછી એક જીપો સ્મીત કોમ્પ્લેક્ષમાં પહોંચતા કોમ્પ્લેક્ષમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઊઠ્યા હતા. પોલીસ ટીમો વૈભવી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં પહોંચી ગઇ હતી. સેન્ટરમાં પોલીસ પહોંચતા સ્મીત કોમ્પ્લેક્ષ સ્થિત અન્ય ઓફિસોના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500