નવસારીથી આશરે ૬૮ કિ.મી.ના અંતરે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલો "અજમલગઢ" સહ્યાદ્રિ પર્વતમાળા દક્ષિણ પૂર્વે ઉપર તેની ઐતિહાસિક તેમજ ભૌગોલિક અને સૃષ્ટિ સૌદર્ય કારણે અદભૂત લાગે છે. જે દરિયાની સપાટીથી અંદાજે ૧૨૦૦ ફૂટ જેટલી ઉંચાઇ ધરાવે છે. અજમલગઢ વાસ્તવમાં શિવાજી મહારાજનો કિલ્લો હતો.
જેને અજમલખાન નામનો સિપેહસલાહ સંભાળતો હોવાથી અજમલગઢ કહેવાય છે. અજમલગઢ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા યુગ દરમિયાન ગેરીલા પધ્ધતિથી ત્રાટકવા સૈન્ય છાવણી અર્થે ઉપયોગ કરતા, જેના અવશેષો રૂપે શિવાજીના આરાધ્ય દેવ શિવલીંગ તેમજ ગઢની ફરતે લંબચોરસ પથ્થરોથી બાંધેલા કોટના પાયા તેમજ જળસ્ત્રોત અર્થેના ટાંકા તેમજ પારસી સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે.
અજમલગઢનો ઇતિહાસ મરાઠાઓ અને પારસીઓના ઐતિહાસિક વારસા સાથે સંકળાયેલો છે. ઇ.સ.૧૫ મી સદી દરમિયાન ઇરાનમાંથી સંજાણ બંદરે ઉતરીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓ આ ડુંગરની ધરામાં મોગલ, પોર્ટુગીઝ તેમજ ફીરંગીઓથી બચવા તેઓના પવિત્ર અગ્નિ ઇરાનશા આતશ ને બચાવવા માટે આ ડુંગર ઉપર આશ્રય લીધો હતો. આ દરમિયાન વાંસદાના રાજા શ્રીમંત કિર્તિદેવના શાસન દરમિયાન આશ્રય મળ્યો હતો.
વાંસદા તાલુકો ચોમાસાની ઋતુ દરમિયાન સૌંદર્યથી ખીલી ઉઠે છે. ચોમાસુ શરૂ થતા જ અહિંનો નજારો કંઇક જુદો જ જોવા મળે છે. કુદરતે વાંસદા તાલુકાને પ્રકૃતિનો અખૂટ ખજાનો આપ્યો છે. સહેલાણીઓએ કુદરતી નજરો માણવો હોઇ તો અજમલગઢ જઇ આનંદ માણી શકે છે. જ્યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્યનો અનુભવ કરી શકાય.
અજમલગઢની ટોચ ઉપરથી કેલિયાડેમનો સૌંદર્ય જોતા મનને લોભાવે છે. અહીં રામજીમંદિર તથા શિવમંદિર પણ છે. શિવરાત્રિ પર્વ દરમિયાન મેળો પણ ભરાઇ છે. વાંસદાના ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિનો આ નજારો ધરતીના સ્વર્ગ સમા કાશ્મીરની યાદ તાજી કરાવી જાય છે. ચોમાસાની ઋતુમાં એકવાર તો અજમલઢ તો અવશ્ય જવું જોઇએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500