ઇઝરાયેલ પર ગાઝામાં સક્રિય હમાસ નામના આતંકી સંગઠને પાંચ હજાર મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. જે બાદ ઇઝરાયેલ દ્વારા હમાસના સંપૂર્ણ ખાતમા માટે ગાઝા પર બોમ્બમારો ચલાવવામાં આવ્યો હતો. ઇઝરાયેલના આ વળતા હવાઇ હુમલામાં ગાઝા સંપૂર્ણપણે નાશ પામ્યું છે. એટલુ જ નહીં ગાઝામાં વિજળી આપતો એકમાત્ર પાવર પ્લાન્ટ પણ ઇંધણની અછતને કારણે ઠપ થઇ જતા સંપૂર્ણ ગાઝા પટ્ટીમાં અંધારપટ્ટ છવાયો છે. ઇઝરાયેલના આ વળતા હુમલા બાદ ગાઝામાં રહેતા પેલેસ્ટાઇનના નાગરિકો આશરો શોધવા માટે ભટકી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધનો બુધવારે પાંચમાં દિવસ હતો, અગાઉ હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલા દરમિયાન ઇઝરાયેલના નાગરિકો, જવાનો સહિત 150થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા.
જોકે આ તમામ લોકોને હમાસ દ્વારા હજુ સુધી છોડવામાં નથી આવ્યા. ઇઝરાયેલે હમાસના ખાતમા માટે જ વળતો હુમલો કર્યો છે. હમાસ અને ઇઝરાયેલના આ યુદ્ધ વચ્ચે ગાઝાનો સંપૂર્ણ નાશવળી ગયો છે. જેને પગલે આ વિસ્તારમાં રહેતા લોકો શરણ લેવા માટે ભટકી રહ્યા છે. ઇઝરાયેલે ગાઝાની લગભગ તમામ ઇમારતોનો નાશ કરી નાખ્યો છે. જેમાં હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલ દ્વારા ગાઝાને ઘેરી લીધા બાદ વિજળી સહિતનો સપ્લાય બંધ કરી દેવાયો હતો જ્યારે ગાઝામાં રહેતો એક માત્ર વિજળી પ્લાન્ટ પણ હવે બંધ થઇ ગયો છે.
બંને બાજુ થયેલા આ હુમલામાં 2200થી વધુ લોકો માર્યા ગયા છે. જોકે જાહેર ન થયેલો મૃત્યુઆંક ત્રણ હજારથી પણ વધુ હોઇ શકે છે. 40 કિ.મી.માં આવેલા ગાઝામાં પેલેસ્ટાઇનના આશરે 23 લાખથી વધુ નાગરિકો રહે છે. જ્યારે હમાસ નામનું આતંકી સંગઠન પણ આ જ વિસ્તારમાં સક્રિય છે. પત્રકાર હસન જબરે પીટીઆઇને જણાવ્યું હતું કે હાલમાં ગાઝામાં નાગરિકો માટે કોઇ જ સુરક્ષીત સ્થળ નથી બચ્યું. ઇઝરાયેલના આ હુમલામાં પેલેસ્ટાઇનના ત્રણ પત્રકારોના પણ મોત નિપજ્યા છે. ઇઝરાયેલ દ્વારા છેલ્લા 24 કલાકમાં 500થી વધુ સ્થળોએ બોમ્બમારો કરાયો હતો, જેમાં ગાઝા સીટીના સીપોર્ટનો પણ નાશ થઇ ગયો છે.
હાલ ગાઝા પર ઇઝરાયેલ સૈન્યએ સંપૂર્ણ કબજો કરી લીધો છે. જે સાથે જ ઇઝરાયેલે ગાઝાને સૈન્ય ક્ષેત્ર જાહેર કરી દીધુ છે. અને લોકોને ચેતવણી આપી છે કે સૈન્યની અનુમતી વગર ઇઝરાયેલના કબજાવાળા વિસ્તારોમાં પ્રવેશ નહીં કરી શકાય. હવે ઇઝરાયેલનું સૈન્ય હમાસના આતંકીઓને શોધી રહ્યું છે. અત્યાર સુધીમાં હમાસના 1500થી વધુ આતંકીઓને ઠાર માર્યા હોવાનો ઇઝરાયેલે દાવો કર્યો છે. બાકી બચી ગયેલા આતંકીઓના સફાયા માટે હાલ સૈન્ય દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500