સુરતના ઉધનામાં સગા બનેવી સહિત ૪ વ્યાજખોરોના ત્રાસને કારણે ફર્નિચરનું કામ કરતા મિસ્ત્રીએ ૨૧ દિવસ પહેલાં ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. આ અગાઉ તેણે વીડિયો બનાવી ૩ પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી. સમાજના આગેવાનો મારફતે તેની માતાને વીડીયો મળ્યો, જેમાં તે રડીને ૪ જણા હેરાન કરતા હોવાનું કહે છે. જેથી માતા મેનાદેવી જાટે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનેવી અન્તારામ બારીક, પ્રોફેસર અમરારામ જાટ (રહે,નાગોર), રામરતન જાટ અને ધર્મેન્દ્ર જાટ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
જોકે પોલીસની ટીમો રાજસ્થાન-વાપી રવાના થઈ છે. સ્યુસાઇડ નોટમાં તેણે જણાવ્યું કે, ‘મેં પરેશાન હો ગયા હું. યે લોગ ૧.૫૦ લાખ કા ૮ લાખ માંગ રહે હૈ. રોજ ૫૦ ફોન કરતે હૈ. આજ અભી ૫ બજે દુનિયા સે જા રહા હું’ પોલીસને મળેલી સ્યુસાઇડનોટમાં ૨૩ ડિસેમ્બર લખી હતી, જ્યારે આપઘાત ૨૨મીએ કર્યો હતો. મૃતકનું નામ દીનારામ જાટ છે. ઉધનાના રાજ એપાર્ટમેન્ટમાં રહે છે.
ધાક-ધમકી આપી પઠાણી ઉધરાણી કરતા ૯ વ્યાજખોરો સામે ગુના દાખલા થયા છે. એક યુવકે ૭ ટકા વ્યાજે ૨૭.૫૭ લાખ લઈ ૩૮.૫૦ લાખ ચુકવ્યા હતા. પોલીસે રમેશ ગગવાણી (સિટીલાઇટ) અને હરીશ નારંગ (પાર્લે પોઇન્ટ) સામે ગુનો દાખલ કર્યો છે. ઉધનાના વ્યાજખોર નવરતન હિંગડેએ વેપારી પાસેથી ૬.૨૬ લાખ સામે ૨૦ લાખ પડાવ્યા છતાં પઠાણી ઉધરાણી કરતો હતો. મગોબ નાગમણી એપાર્ટમેન્ટમાં રહેતા વ્યાજખોર વિમલ મોદી સામે મહિધરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.
એક યુવકે ૫ ટકા લેખે ૧.૫૦ લાખ લીધા, જેની સામે ૨ લાખ આપવા છતાં 5 લાખની ઉધરાણી કરતો હતો. કતારગામના યુવકે ૧૩ વ્યાજખોર પાસેથી ૩.૫૦ લાખ લીધા હતા. પોલીસે પ્રવિણસીંગ, કુલદીપસિંગ, નરોત્તમ પટેલ, કૈલાશ મારવાડી, કરણ જોની, અક્ષય પ્રજાપતિ, સંતોષ ચોબે, કરણસીંગ સોલંકી, કરણસીંગ ડોડીયા, ઉમેશ જગુ, રાજુ અને શક્તિસીંગ આહીર સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500