છેલ્લા બે દિવસથી બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગત રોજ 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખબક્યો હતો. જેને કારણે બારડોલી,પલસાણા અને મહુવા તાલુકામાં અનેક ઠેકાણે પાણી ભરાય ગયા હતા. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે મીંઢોળા નદી બે કાંઠે થતાં બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં લોકો ઘરવખરી અને સામાન લઈને વહેલી સવારે સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા.
એક મહિના બાદ ફરી એક વખત મેઘરાજાએ સુરત જિલ્લામાં તોફાની બેટિંગ શરૂ કરી છે.બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પલસાણા તાલુકામાં 8.50 ઇંચ અને મહુવા તાલુકામાં 5 ઇંચ વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાય જતાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં વહેલી સવારથી જ મીંઢોળા નદીની સપાટી વધવાની શરૂઆત થઈ હતી. જેના કારણે તલાવડી, રામજી મંદિર તેમજ કોર્ટની સામેની વસાહતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં કેટલાક ઝૂપડાઓ ડૂબી ગયા હતા. જો કે પાણી ભરાવવાની શરૂઆત થતાં જ લોકો પોતાની સામાન અને ઘરવખરી લઈ સુરક્ષિત સ્થાન પર પહોંચી ગયા હતા.
બારડોલી તાલુકાની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. પાણી ફરી વળતાં સાતથી આઠ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. બારડોલી તાલુકાના મોતા ગામ નજીક બારડોલી મોતા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ હતી. પાણીમાં અનેક વાહનો બંધ થતાં ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી.
સતત વરસાદને કારણે બારડોલી તાલુકાના કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બારડોલીના રામજી મંદિરથી નેશનલ હાઇવેને જોડતા લો લેવલ બ્રિજ પાસે માટી ધસી પડવાથી તેમજ પાણી ભરાય જતાં બંધ કરવામાં આવ્યો હતો. આ ઉરપાંત ઉતારા-વધાવા- કરચકા રોડ, વાંકાનેર-પારડી-વાલોડ રોડ, બાલ્દા-જુનવાણી રોડ, જૂની કીકવાડ ગભેણી ફળીયા રોડ, સુરાલી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ અને સુરાલી કોટમુંડા રોડ સહિત 14 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
બારડોલીની અલગ અલગ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થવાથી તેમજ ખાડી ઓવરફ્લો થતાં પાણી ભરાય ગયા હતા. સ્થાનિકોને હાલાકી વેઠવી પડી છે. વરસાદી પાણીના નિકાલ માટે નવી લાઇન નાખી હોવા છતાં સોસાયટીના રહીશોને કોઈ ફાયદો થયો ન હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાય જતાં રહીશોની મુશ્કેલી વધી ગઈ હતી. ખાસ કરીને ડી.એમ. નગર,એમ.એન.પાર્ક, શિવશક્તિ સોસાયટી અને વિઠ્ઠલવાડી વિસ્તારોમાં ખેતરાડીના પાણી ફરી વળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500