ન્યૂયોર્ક શહેરમાં મૂશળધાર વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, મેટ્રો સેવામાં અવરોધો ઊભા થયા છે અને બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે. જોકે શુક્રવારનાં રોજ સવારે માત્ર ત્રણ કલાકમાં બુ્રકલિનના અનેક ભાગોમાં 4 ઈંચથી વધુ વરસાદ થયો હતો. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે ન્યૂયોર્ક શહેરમાં ઈમર્જન્સી જાહેર કરી છે. મૂશળધાર વરસાદના કારણે સબવે, રસ્તા અને બેઝમેન્ટ જળબંબાકાર થઈ ગયા છે. શહેરમાં ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પરિણામે સબવે સિસ્ટમ બંધ કરી દેવાઈ છે. વધુમાં લાગાર્ડિઆ એરપોર્ટનું ટર્મિનલ બંધ કરવાની ફરજ પડી છે, જેથી અનેક ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ છે. રહેવાસીઓને ઘર પર જ રહેવા આગ્રહ કર્યો છે.
શહેરના અનેક વિસ્તારોમાં રાતથી અત્યાર સુધીમાં 5 ઈચ સુધી વરસાદ પડયો છે અને શુક્રવારે આખો દિવસ 7 ઈંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે તેમ ગવર્નર કૈથી હોચુલેએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય હવામાન સેવાએ ન્યૂયોર્ક શહેરમાં અચાનક પૂરથી થનારા નુકસાન અંગે ચેતવણી આપી છે. બુ્રકલિનની અનેક લાઈનો મેટ્રો સેવા ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. અનેક જગ્યાએ પાણી કારના ટાયરોથી ઉપર જઈ રહ્યું હતું. મેનહટનની પૂર્વે રસ્તાઓ પર પાણી એટલા ભરાઈ ગયા હતા કે, અનેક કાર ચાલકો તેમના વાહન રસ્તા પર જ છોડીને જતા રહ્યા હતા અનેક શહેરવાસીઓનું કહેવું હતું કે, તેમણે તેમના જીવનમાં ક્યારેય ન્યૂયોર્કમાં આવી પરિસ્થિતિનો સામનો નથી કર્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500