Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ : ૨૪ કલાકમાં સોનગઢ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો,ગાળકુવામાં ઘર ઉપર વૃક્ષ પડ્યું

  • August 17, 2022 

તાપી જિલ્લામાં ફરી એકવાર મેઘાવી માહોલ જામ્યો છે. મંગળવારે પડેલા વરસાદમાં વ્યારા નગરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,જયારે વ્યારાના નાની ચીખલી ગામના જોડતા માર્ગ પર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લો-લેવલના કોઝવે પરથી પાણી ફરી વળતા તકેદારીના ભાગરૂપે અનેક રસ્તાઓ બંદ કરી દેવામાં આવ્યા હતા.



વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે, જેને પગલે ડોલવણમાંથી પસાર થતી ઓલણ,અંબિકા અને પૂર્ણા નદીમાં ભારે પાણીની આવક આવવાના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે,જેને પગલે નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, બીજી તરફ જિલ્લા પંચાયત હસ્તકના ૨૧ જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યા હતા.



સૌથી વધુ સોનગઢ અને ડોલવણ તાલુકામાં વરસાદ પડયો

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સોનગઢ અને ડોલવણ તાલુકામાં વરસાદ પડયો હોવાનું ફ્લડ કન્ટ્રોલરુમ દ્વારા જણાવાયુ છે.સૌથી વધુ સોનગઢ તાલુકામાં ૧૮૯ મી.મી વરસાદ પડયો હતો. જેના કારણે સોનગઢ તાલુકાના ગાળકુવા ગામના આમલી ફળીયામાં રહેતા દેવીદાસભાઈ દેવજીભાઈ ગામીતના ઘર ઉપર એક મહાકાય વૃક્ષ તૂટી પડ્યું હતું,જેના કારણે ઘરને ભારે નુકશાની પહોંચી હોવાનું જાણવા મળ્યું છે,જોકે સદ નસીબે કોઈ જાન હાની પહોચી નથી.



તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ

તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ થયો છે. જિલ્લામાં મંગળવારે સવારે ૬ વાગેથી આજે બુધવાર સવારે ૬ વાગે સુધીમાં સોનગઢ તાલુકામાં ૭ ઇંચ (૧૮૯ મી.મી) વરસાદ પડયો હતો.તેમજ ડોલવણમાં ૪ ઇંચ (૧૧૦ મી.મી),વ્યારામાં ૨ ઇંચ (૫૯ મી.મી), ઉચ્છલમાં ૩૯ મી.મી,નીઝરમાં ૨૯ મી.મી, વાલોડમાં ૨ ઇંચ (૬૫ મી.મી) અને કુકરમુંડામાં ૨૬ મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. હાલમાં પણ વરસાદી વાતાવરણ જામેલુ છે.તેના કારણે વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરી જવા પામી છે. આગામી બે દિવસમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application