Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Top 10 news : ખાસ તમારે જાણવા જેવી મહત્વની ખબરો તા.28-07-24

  • July 28, 2024 

પાણીના વહેણમાં તણાઈ ગયેલા માંડવી તાલુકાના બે મૃતકોના પરિવારોને રૂ.૪-૪ લાખની સહાયના ચેકો અર્પણ : પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે મૃતકોના પરિવારને રૂ. ૪-૪ લાખના ચેક આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.માંડવી તાલુકાના બે હતભાગી મૃતકો (૧) સ્વ.પરેશભાઈ માધુભાઈ ચૌધરી ઉ.વ.૪૨  રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી તથા (૨) સ્વ.અજીતભાઈ વનસીભાઈ ચૌધરી ઉ.વ.૫૨ રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી કે જેઓ હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હેઠવાસમાં  પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ઉપરોક્ત મૃતકોના વારસદાર અનુક્રમે નયનાબેન ચૌધરી અને રેવનીબેન ચૌધરીને રાજ્ય સરકારના એસડીઆરએફ ફંડમાંથી સહાય માટે આદિજાતિ મંત્રીશ્રીએ કરેલી રજૂઆતને પગલે  ઝડપભેર મૃતક દીઠ ચાર લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ હતી.

બે અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યાં : સુરતના સચિન વિસ્તારમાં બે યુવકોને કાળનો ભેટો થયાની ઘટનાઓ સામે આવી છે. સચિન વિસ્તારમાં સર્જાયેલા બે અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યાં છે. એક અકસ્માતમાં બાઈકચાલક યુવકનું માથું ડિવાઇડર સાથે અથડાવવાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બનાવમાં ટેમ્પો પલટી મારી જતા ગંભીર ઈજા થયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બંને અકસ્માતમાં યુવકોના મોત થઈ જવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે રાજ્યભરમાં હજુ પણ વરસાદી જ માહોલ છવાયો છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમેરિકામાં ઘૂસવા જતાં 150 જેટલા ગુજરાતીઓ ઝડપાયા : ગુજરાતીઓમાં વિદેશને ઘેલછા એટલી છે કે જેને લઈને તેઓ અનેક સમસ્યાના ભોગ બની રહ્યા છે. ત્યારે ફરી એકવાર એવો જ બનાવ બન્યો છે. અમેરિકામાં ઘૂસવા જતાં 150 જેટલા ગુજરાતીઓ ઝડપાયા છે. જો કે આ ઘટના એક અઠવાડિયા પહેલાંની છે કે જેમાં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘૂસવા જતા અંદાજે 150 જેટલા ગુજરાતીઓ ઝડપાયા છે.હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર લગભગ એકાદ મહિના પહેલા ઉત્તર ગુજરાતમાંથી લગભગ 150 થી ગુજરાતીઓ અમેરિકા જવા રવાના થયા હતા. તેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા અને ત્યાંથી ચાલીને જ મેક્સિકો પહોંચ્યા હતા અને ત્યાંથી મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા અને ઝડપાઈ ગયા હતા.

અગ્નિકાંડની દુર્ઘટના બાદ લોકમેળાને લઈને તંત્રએ રાખી 44 શરત : Trp ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ આ વર્ષે યોજાનાર જન્માષ્ટમી લોકમેળાને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન થનાર છે. પાંચ દિવસના લોકમેળામાં રોજ લાખો લોકો મેળાની મજા માણવા ઉમટે છે.લોકમેળામાં આયોજનમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા વિશેષ તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્ટોલ ધારકો અને રાઈડ ધારકો માટે નિયમો લાદવામાં આવ્યા છે.લોકમેળા સમિતિ દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં કુલ 44 શરત રાખવામાં આવી છે અને આ 44 નિયમનું પાલન કરવાનું ફરજિયાત છે. લોકમેળા સવારે 8થી રાત્રિના 11 વાગ્યા સુધીનો રહેશે અને આ સાથે જ સ્ટોલ/પ્લોટધારકે અસલ કબજા પાવતી એલોટમેન્ટ લેટર, ઓળખપત્ર લોકમેળા દરમિયાન સ્ટોલ/પ્લોટ ઉપર સતત રાખવાનું રહેશે.આ મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્ટોલ/પ્લોટ ઉપર કોઈપણ પ્રકારની જાહેરાતના હકો લોકમેળા સમિતિના જ રહેશે અને સ્ટોલ/પ્લોટધારકો સ્ટોલના બહારના ભાગમાં પરવાનગી વગર કોઈપણ પ્રકારની જાહેરાતનું બેનર-બોર્ડ રાખી શકશે નહીં. કોઈપણ જાતના અકસ્માત અંગેની સમિતિની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહિ.

સણવલ્લા ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિર યોજાઈ : રસાયણમુકત પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા માટે કૃષિના મહા અભિયાન હેઠળ પ્રાકૃતિક કૃષિ સંયોજકશ્રી  પ્રફુલ્લભાઈ સેજલીયાજીના અધ્યક્ષસ્થાને મહુવા તાલુકાના સણવલ્લા ખાતે સ્વસહાય જુથની બહેનો માટે પાંચ દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં મહુવા તાલુકાની ૬૦ બહેનોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ બધ્ધ કરવામાં આવી હતી

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧થી ૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરાશે : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બનાવવા તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિભાગ દ્વારા તા. ૦૧ થી તા.૦૮ ઓગસ્ટ દરમિયાન "નારી વંદન સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવશે.

સીએમના હસ્તે સાપુતારા ખાતે તા.૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે : ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૯ જુલાઈના રોજ 'મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉપડવામાં 30 મિનિટથી લઇને ચાર કલાકનો વિલંબ : અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અને ખરાબ હવામાનના લીધે શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી અને ઉપડતી ફ્લાઇટના સમયમાં વિલંબ જોવા મળ્યો હતો. દેશમાં હાલ ખરાબ હવામાનના લીધે અનેક રાજયમાં ફ્લાઇટના ઉડ્ડયન અને લેન્ડિંગમાં વિલંબ થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર શનિવારે મુંબઈ, વારાણસી, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, લખનૌ અને અયોધ્યા જેવા સ્થળો માટે શહેરના એરપોર્ટ પરથી ઉપડતી 20 ફ્લાઈટ મોડી પડી હતી.

ગાંજાના જથ્થા સાથે બે શખ્સોન ઝડપાયા​ : પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં બી-ડિવિઝન પોલીસે દરોડો પાડીને રૂા.૩૮,૮૪૦ના મૂલ્યના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. આંબેડકર નગર ગલી નં.૩માં રહેનારો આરોપી મોહમદ સલીમ આઝાદ શાહ (મુસ્લીમ) પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ રાખતો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળે છાનબીન દરમ્યાન ઘરમાંથી ૩.૮૮૪ કિલો ગ્રામ માદક પદાર્થનો ૩૮,૮૮૪ રૂપિયાનો જથ્થો હસ્તગત કરી બે મોબાઈલ ફોન કીંમત રૂા.૫૦,૫૦૦, ડિજિટલ વજન કાંટો કીંમત રૂા.૫૦૦ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.આ કાર્યવાહીમાં આરોપી મહંમદ સલીમ તથા અન્ય આરોપી ફિરોજ દાઉદ માણેક(રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા, ગલી નં.3,મૂળ માળીયા મિયાણા,તા.મોરબી)ની ધરપકડ થઈ હતી. આરોપી ફિરોઝ નશીલા પદાર્થના વેપારમાં ભાગીદાર હોવાનુ પોલીસે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application