મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહના દ્વિતીય દિવસે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થીમ હેઠળ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાના હસ્તે તેજસ્વી વિદ્યાર્થિનીઓને સન્માનિત કરાઇ હતી. સમગ્ર જિલ્લાની ધો.૧૦ અને ૧૨માં સૌથી વધુ માર્કસ મેળવનારી ટોપ ૧૦ દિકરીઓનું પ્રશસ્તિ પત્ર અને DBT(ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર) મારફતે રૂ.૫૦૦૦નાં પ્રોત્સાહક ઈનામ અર્પણ કરી સન્માન કરાયું હતુ.
આ પ્રસંગે જિલ્લાની ૨૦ તેજસ્વી દિકરીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીએ મહિલાઓના આર્થિક, સામાજિક અને શારીરિક ઉત્થાન માટે શરૂ કરેલા ‘નારી વંદન ઉત્સવ’ અને તેનાં લાભો વિષે સમજ આપી હતી. તેમણે ‘નારી તું નારાયણી’ની ઉક્તિને પરિપૂર્ણ કરી વિવિધ ક્ષેત્રે દેશનું નામ રોશન કરતી તેમજ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં તેમના સવિશેષ યોગદાનના પ્રેરણાત્મક કિસ્સાઓ વાગોળ્યા હતા. તેમણે આધુનિક યુગની તમામ દિકરીઓને સાહસિક બની સ્વરક્ષણ કરવા સક્ષમતા કેળવવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત દિકરીઓ તેમજ વાલીઓને ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટરશ્રી સ્મિતાબેન પટેલે મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ, વ્હાલી દીકરી યોજના, નારી સંરક્ષણ ગૃહ, પી.બી.એસ.સી સેન્ટર સહિતની મહિલાલક્ષી યોજનાઓ-પહેલો વિશે જાણકારી આપી બહુઆયામી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500