Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકાના શેરબજારનાં ઇતિહાસમાં ટોચનાં 10 શેર બાયબેકમાં 6 બાયબેક એપલનાં છે અને ત્રણ બાયબેક ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટનાં

  • May 04, 2024 

આઇફોન ઉત્પાદક કંપની એપલે 2024ના કેલેન્ડર વર્ષમાં 110 અબજ ડોલર એટલે કે 9 લાખ કરોડથી પણ વધુ રકમના રેકોર્ડતોડ અને ઐતિહાસિક બાયબેકની જાહેરાત કરી છે. અમેરિકન શેરબજારના આટલા વર્ષોના ઇતિહાસમાં આટલી જંગી બાયબેક કોઈપણ કંપનીએ કરી નથી. આ પહેલા એપલે 2018માં જ 100 અબજ ડોલર એટલે કે 8 લાખ કરોડનું જંગી બાયબેક કરીને તે સમયે પણ રેકોર્ડ સર્જયો હતો. એપલે 2024ના કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામની જાહેરાતની સાથે આ બાયબેક કાર્યક્રમની જાહેરાત કરી લોકોને અચંબામાં મૂકી દીધા હતા. અમેરિકાના શેરબજારના ઇતિહાસમાં ટોચના 10 શેર બાયબેકમાં 6 બાયબેક એપલના છે અને ત્રણ બાયબેક ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના છે. ડેટા અનુસાર એપલની તાજેતરની જાહેરાત ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા 90 અબજ ડોલરના બાયબેક કરતાં 22 ટકા વધું છે.


શેર બાયબેક ઉપરાંત એપલે 25 સેન્ટનું ડિવિડન્ટ પણ જાહેર કર્યુ છે, જે અગાઉના ક્વાર્ટર કરતાં એક સેન્ટનો વધારો છે, જે સતત 12મા ત્રિમાસિક ગાળામાં વધેલા શેરધારકોની ચૂકવણીને ચિહ્નિત કરે છે. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટિમ કુકે જણાવ્યું હતું કે, કંપનીએ ભારતમાં મજબૂત બે આંકડાનો વિકાસ નોંધાવ્યો છે અને માર્ચ ક્વાર્ટરમાં આવકનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ માર્ચ ત્રિમાસિક ગાળામાં 90.8 બિલિયન ડોલરની આવક નોંધાવી છે, જે પાછલા વર્ષ કરતાં ચાર ટકા ઓછી છે. એપલની ત્રિમાસિક આવક ઘટી છે, પરંતુ અપેક્ષા કરતાં ઓછી ઘટી છે.


તેના સીઇઓ ટિમ કૂકે જણાવ્યું હતું કે તેની આવકવૃદ્ધિ વર્તમાન ક્વાર્ટરમાં પરત ફરશે. કંપનીના પરિણામો અને ગાઇડન્સ સૂચવે છે કે કંપની ભારે સ્પર્ધા અને નિયમનકારી પડકારો છતાં પણ સ્માર્ટફોન માર્કેટમાં તેની સ્થિતિ વધુને વધુ મજબૂત કરી રહી છે. એપલે જણાવ્યું હતું કે, બીજા ક્વાર્ટરની આવક ચાર ટકા ઘટીને 90.8 અબજ ડોલર થઈ છે. જ્યારે વિશ્લેષકોના અંદાજ મુજબ તેની આવક ઘટીને 90.01 અબજ ડોલર થાય તેવી સંભાવના હતી, એમ લંડન સ્ટોક એક્સ્ચેન્જના આંકડા જણાવે છે. એપલના વર્તમાન ક્વાર્ટરનો અંત જૂનમાં આવે છે. કૂકે જણાવ્યું હતું કે આઇફોન ઉત્પાદક કુલ આવકમાં એક અંકી દરે વૃદ્ધિ કરે તેમ મનાય છે.


વોલસ્ટ્રીટને તેની આવક 1.33 ટકાના દરે વધીને 82.89 અબજ ડોલર થશે તેમ લાગે છે.  એપલના શેરે તાજેતરના મહિનાઓમાં અન્ય મોટી આઇટી કંપનીઓની તુલનાએ નબળી કામગીરી દર્શાવી છે. ચાલુ વર્ષે તેનો શેર પણ 10 ટકા ઘટયો છે. કંપનીને ચીનમાં ભારે સ્પર્ધા અને નબળી આઇફોનની માંગ સામે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીને ત્રીજા ક્વાર્ટરમાં કુલ માર્જિન 45.5 ટકા અને 45.6 ટકા રહેવાનો અંદાજ છે. એપલને તના કારોબારમાં પણ મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સેમસંગ તેની નજીકની હરીફ છે. તે હંમેશા તેને ટક્કર આપતા ડિવાઇસ લોન્ચ કરતી રહી છે.


હવે તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ્સ સાથેના ડિવાઇસ રજૂ કર્યા છે. ટીમ કૂકે જણાવ્યું હતું કે એપલે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આર એન્ડ ડી પાછળ 100 અબજ ડોલરથી વધારે રક્મ ખર્ચી છે. તે એઆઇની તકોને લઈને તેજીમય માનસ ધરાવે છે અને કંપનીએ તેની પાછળ નોંધપાત્ર રોકાણ કર્યુ હોવાનું પણ જણાવ્યું છે. આમ હવે પ્રોડક્ટ્સમાં એઆઈ ઉમેરવા કંપનીઓ વચ્ચે રેસ લાગી છે. એપલનો મહાકાય બાયબેક કાર્યક્રમ રોકાણકારોને આકર્ષી શકે છે, જે તાજેતરમાં તેના શેરના ઘટેલા ભાવના લીધે તેનાથી દૂર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application