સૂર્યપુત્રી તાપી માતાનાં જન્મ દિવસની આજે સમગ્ર સુરતમાં ઉજવણી કરવામાં આવશે. તાપીનું મહત્વ એનાથી આંકી શકાય કે તેના સ્મરણ માત્રથી તમામ પાપોનો નાશ થાય છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી, સરસ્વતિ નદીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે. સુરત શહેરનાં લોકો માટે જીવાદોરી સમાન તાપી માતાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંજયભાઈ ચોકસીએ કહ્યું કે પુરાણ પ્રસિધ્ધ તાપી નદીએ સુરત શહેરની જીવાદોરી છે.
તાપી મહાપુરાણ માહાત્મ્ય ગ્રંથ અનુસાર બ્રહ્માજીએ પૃથ્વી સર્જનની કથાના વર્ણન પ્રમાણે સૂર્યનારાયણની સ્તુતિ ઉપાસના કરી, પરંતુ તેનો અત્યંત તેજોમય પ્રકાશ જીવોથી સહન ન થયો અને આખરે ભગવાન સૂર્યનારાયણની સહાનુભૂતિના કારણે જમણી આંખમાંથી આંસુ સરી પડયા, જે તાપી નદી બનીને વહેવા લાગ્યા. મધ્યપ્રદેશનાં સાતપુડા પર્વતમાં બૈનુલના મુલતાઇ ગામમાં તળાવ પાસે અષાઢ સુદ સાતમને દિવસે તાપી નદીનું પ્રાગટય થયું હતું.
તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઇ સુરત શહેર નજીક મહાપુરૂષ દુર્વાશા ઋષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે. અનેક પુરાણ ગ્રંથોમાં તાપી નદીનો સૂર્યપુત્રી તરીકે ઉલ્લેખ થયો છે. ગંગા, નર્મદા, સરયુ અને સાબરમતી નદીઓનું અસ્તિત્વ ન હતું ત્યારે સૂર્યપુત્રી તાપી નદીનું પ્રાગટય થયું હતુ.
16મી અને 17મી સદીમાં સુરત એક આંતરરાષ્ટ્રિય બંદર હતું અને તેમાં મોટા વેપાર થતા હતા. તાપી નદીના સુરતના બંદરે યુરોપ, આફ્રિકા, ઇરાન તેમજ એશિયાના વિવિધ બંદરો સાથે જળ માર્ગે જોડાયેલું હતું. એ સમયે તાપી નદીમાં 1500 ટન સુધીની ભારક્ષમતાવાળા વહાણો આવતા હતા. જેના દ્વારા તાપી નદીની ઊંડાઇ અને વિશાળતાનો ખ્યાલ આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500