Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે ‘મન કી બાત’ કાર્યક્રમનો 114મો એપિસોડ : વડાપ્રધાનશ્રીએ કહ્યું, આ કાર્યક્રમનાં શ્રોતા જ છે અસલ સૂત્રધાર

  • September 29, 2024 

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમનો આજે 114મો એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું કે, આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે. સામાન્ય રીતે એવી ધારણા કરવામાં આવે છે કે, જ્યાં સુધી ચટપટી અને નકારાત્મક વાત ન હોય ત્યાં સુધી કોઈ મહત્ત્વ નથી આપતું. પરંતુ, મન કી બાતે સાબિત કર્યું કે, લોકોને પોઝિટીવ વાત પણ પસંદ આવે છે. ‘મન કી બાત’ મારા માટે ઈશ્વરના મંદિરે જઈને દર્શન કરવા સમાન છે. 'મન કી બાત'ને ઘરે-ઘરે પહોંચાડનાર લોકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું. વડાપ્રધાને કહ્યું કે, ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 10 વર્ષ પહેલાં 3 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે મન કી બાત'નો પ્રારંભ થયો હતો અને કેટલો પવિત્ર સંયોગ છે કે, આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે 'મન કી બાત' ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે નવરાત્રિનો પહેલો દિવસ હશે.


મારૂ મન તો ત્યારથી જ ગર્વથી ઉભરાઈ જાય છે, જ્યારે હું 'મન કી બાત' માટે આવેલી ચિઠ્ઠીઓને વાંચુ છું. વડાપ્રધાને કહ્યું કે, આ કાર્યક્રમને દેશની 22 ભાષાઓ સાથે 12 વિદેશી ભાષાઓમાં પણ સાંભળી શકાય છે. મને સારૂ લાગે છે, જ્યારે લોકો કહે છે કે, તેઓએ 'મન કી બાત' કાર્યક્રમને પોતાની સ્થાનિક ભાષામાં સાંભળ્યો. કાર્યક્રમ પર આધારિત એક ક્વિઝ કોમ્પિટિશન પણ ચાલી રહી છે, જેમાં ઘણાં વ્યક્તિ ભાગ લઈ શકે છે. https://Mygov.in પર જઈને તમે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકો છો અને ઈનામ પણ જીતી શકો છો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના અલગ-અલગ ભાગોમાં જ્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદની આ સિઝન આપણને યાદ અપાવે છે કે, 'જળ-સંરક્ષણ' કેટલું જરૂરી છે. વરસાદના દિવસોમાં સંગ્રહિત કરેલું પાણી, જળ સંકટના મહિનામાં ખૂબ મદદ કરે છે, જે કેચ ધ રેન જેવા અભિયાનની ભાવના છે.


આ સિવાય વડાપ્રધાને કહ્યું કે ક્યાંક નારી-શક્તિ, જળ-શક્તિને વધારે છે, તો ક્યાંક જળ-શક્તિ પણ નારી-શક્તિને મજબૂત કરે છે. મને મધ્ય પ્રદેશના બે પ્રેરણાદાયી પ્રયાસોની જાણકારી મળી છે. અહીં ડિંડોરીના રયપુરા ગામમાં એક મોટા તળાવના નિર્માણથી ભૂ-સ્તર ઘણું વધી ગયું છે. સ્વચ્છતા વિશે વાત કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર  મોદીએ કહ્યું કે, સ્વચ્છતાને લઈને પોંડિચેરીના સમુદ્ર તટ પર પણ જબરદસ્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તારીખ 2 ઓક્ટોબરે 'સ્વચ્છ ભારત મિશન'ના 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ અવસર પર એ તમામ લોકોનો આભાર માનું છું, જેઓએ તેને ભારતીય ઈતિહાસનું આટલું મોટું જન-આંદોલન બનાવી દીધું. આ મહાત્મા ગાંધીજીને સાચ્ચી શ્રદ્ધાંજલિ છે, જે જીવનપર્યન્ત આ ઉદ્દેશને સમર્પિત રહ્યાં. આજે આ 'સ્વચ્છ ભારત મિશન'ની સફળતા છે કે, 'Waste to Wealth'નો મંત્ર લોકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે.


લોકો Reduce, Reuse અને Recycle' પર વાત કરવા લાગ્યા છે અને તેના ઉદાહરણો આપે છે. સ્વચ્છતાને લઈને શરૂ અભિયાનથી આપણે વધુમાં વધુ લોકોને જોડવા છે અને આ અભિયાન કોઈ એક દિવસ, એક વર્ષનું નથી હોતું. આ યુગો-યુગો સુધી નિરંતર કરવાનું કામ છે. જ્યાં સુધી આ સ્વચ્છતા આપણો સ્વભાવ ન બની જાય, ત્યાં સુધી કરવાનું કામ છે. વડાપ્રધાને સંસ્કૃતિ વિશે વાત કરતાં કહ્યું કે, આપણને આપણાં વારસા પર ઘણો ગર્વ છે. હું તો હંમેશા કહું છું 'વિકાસ પણ-વારસો પણ'. આ જ કારણ છે કે, મને હમણાંની અમેરિકાની યાત્રાના એક ખાસ પાસાને લઈને ઘણાં સંદેશ મળી રહ્યાં છે. એકવાર ફરી આપણા પ્રાચિન કલાકૃતિઓની વાપસીને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમાંથી ઘણી કલાકૃતિઓની તસ્કરી અને ગેરકાયદેસર રીતે દેશની બહાર લઈ જવામાં આવી હતી. આ ગંભીર અપરાધ છે, એક પ્રકારે આ આપણાં વારસાને ખતમ કરવા જેવું છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણાં દેશમાં લગભગ 20 હજાર ભાષાઓ અને બોલીઓ છે અને આ તમામ કોઈકની માતૃભાષા છે. ઘણી ભાષાઓ એવી છે, જેનો ઉપયોગ કરનાર વર્ગ ખૂબ નાનો છે, પરંતુ ભાષાઓને સંરક્ષિત કરવા માટે અનોખા પ્રયાસ થઈ રહ્યાં છે. સંથાલી ભાષાની ઓનલાઈન ઓળખ તૈયાર કરવા માટે ઓડિશાના મયૂરજંઝમાં રહેતા રામજીત ટૂડુ એક ખાસ અભિયાન ચલાવી રહ્યાં છે. રામજીતે એક એવું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જ્યાં સંથાલી ભાષ। સાથે જોડાયેલું સાહિત્ય વાંચી અને લખી શકાય છે. વડાપ્રધાને કહ્યું કે, એક વૃક્ષ માતાના નામે અભિયાન અદ્ભૂત અભિયાન રહ્યું. જન-ભાગીદારીનું આવું ઉદાહરણ ખરેખર પ્રેરિત કરનારૂ છે. પર્યાવરણ સંરક્ષણને લઈને શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં ખૂણે-ખૂણેથી લોકોએ કમાલ કરી બતાવ્યું છે. આપણા દેશમાં વૃક્ષ લગાવવાના અભિયાન સાથે જોડાયેલા કેટલાંય ઉદાહરણ સામે આવે છે. આવું જ એક ઉદાહરણ તેલંગાણાના કે. એન. રાજશેખરનું છે. વૃક્ષ લગાવવા માટે તેમની પ્રતિબદ્ધતા આપણને ચોંકાવી દે તેવી છે. તમિલનાડુના એક મદુરૈની રહેવાસી એક મહિલા છે સુબાશ્રી, જેઓએ પોતાના પ્રયાસથી દુર્લભ અને ખૂબ જ ઉપયોગી ઔષધીઓનો અદ્બૂત બગીચો બનાવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application