Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય’ દિવસ : કોઈ પણ વ્યક્તિ ચિંતામાં, ડિપ્રેશનમાં જણાય તો તેમની સાથે પ્રેમપૂર્વક વાતો કરી મનોચિકિત્સક પાસે પહોંચાડીએ એ પણ એક સેવાનું કાર્ય છે

  • October 10, 2023 

તારીખ ‘૧૦ ઓક્ટોબર : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત કરવા, માનવ અધિકાર તરીકે દરેકના માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી આરોગ્ય વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. 'OUR MIND OUR RIGHT'ની થીમ નક્કી કરવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્ય એ તમામ લોકો માટે મૂળભૂત માનવ અધિકાર છે. પ્રત્યેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યના ઉચ્ચત્તમ પ્રાપ્ય ધોરણનો અધિકાર ધરાવે છે. સારૂ માનસિક સ્વાસ્થ્ય આપણા એકંદર આરોગ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. છતાં વૈશ્વિક સ્તરે આઠમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે જીવે છે, જે તેમના શારીરિક સ્વાસ્થ્ય, તેમની સુખાકારી, લોકો અને પરિવાર સાથેના જોડાણ અને આજીવિકા પર અસર કરી શકે છે. માનસિક અસ્વસ્થતા, માનસિક વિકૃતિઓ કિશોરો અને યુવાનોને પણ અસર કરી રહી છે.



સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગમાં વર્ષ ૨૦૨૨માં કુલ ૫૩,૪૯૪ ઓપીડી થઈ હતી. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૬૩ દર્દીઓએ એડમિટ કરી તેમને સારવાર આપવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના વડા ડૉ.ઋતમ્ભરા મહેતા જણાવે છે કે, આજે નવી સિવિલના માનસિક રોગ વિભાગમાં રોજ માનસિક રોગોથી પીડિત ૨૦૦થી ૨૫૦ દર્દીઓ ઓપીડીમાં આવે છે. અહીં બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિની પણ શાખા છે. આજે વ્યસન અને કોમન મેન્ટલ ડિસોર્ડરના કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે. વિશેષત: ૧૫ થી ૨૫ વર્ષના યુવાવર્ગ અને વિદ્યાર્થીઓમાં દેખાદેખી, લક્ઝરી જીવન જીવવાની મહેચ્છા, સોશ્યલ મીડિયાનો વધુ પડતો ઉપયોગના કારણે હતાશા કે ડિપ્રેશનનો શિકાર બને છે.



આ સમસ્યામાંથી બચાવવા તેમને માનસિક સધિયારો, કાઉન્સેલિંગ અને હુંફ આપવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ ચિંતામાં, ડિપ્રેશનમાં, તકલીફમાં હોય ત્યારે તેની સાથે વાતો કરી તેને મનોચિકિત્સક પાસે પહોંચાડીએ તો એ પણ એક સેવા કાર્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સામાન્ય માનસિક તકલીફોમાં ચિંતા, તનાવ, ડિપ્રેશન, શારીરીક દુ:ખાવા,વ્યસન, સ્ટ્રેસ જેવી સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે. જેમ જીવનમાં સ્ટ્રેસ વધે છે, તેમ માનસિક તકલીફો પણ વધતી જાય છે. હવે લોકોમાં માનસિક સમસ્યાઓ વિશે જાગૃતિ વધી છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂરિયાત વિશે વૈશ્વિક સ્તરે લોકોમાં જાગૃતિ વધવા લાગી છે. માનસિક સમસ્યાનો ભોગ બનવા છતાં લોકો ડૉકટર પાસે જઈને સારવાર લેતા ખચકાય છે. સમસ્યાના લક્ષણો હોવા છતાં તે સ્વીકારી શકતા નથી કે તેમને માનસિક સમસ્યા છે.



હવે વૃદ્ધોમાં પણ નિરાશા અને ડિપ્રેશન જોવા મળે છે. અગાઉની સંયુક્ત કુટુંબ પ્રથા હવે નામશેષ થતી જાય છે. વૃદ્ધ માતાપિતા સાથે રહેવાને બદલે વિદેશમાં સ્થાયી થવાની કે અલગ રહેવાની માનસિકતા ઉભી થઇ રહી છે. જેથી માતા-પિતા ગામડે અથવા અલગ રહેતા હોવાનું જોવા મળે છે, બીજા દેશોમાં માઈગ્રેટ થઈ જાય છે, જેના કારણે ઘરડા મા-બાપ એકલા પડી જાય છે. જૂની પેઢીના મિત્રો અને સમાજનો સપોર્ટ મળતો નથી, અને એકલતા સતાવે છે. પરિણામે તેઓ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે એમ ડૉ.ઋતમ્ભરા મહેતાએ ઉમેર્યું હતું. દરેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન-જાગૃત થાય, માનસિક તકલીફને આપણે એક કલંક ન સમજીએ, પણ પડકારરૂપે લઈએ અને તેમાંથી બહાર આવીએ એ જરૂરી છે.



માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટે સરકારી સ્તરે પણ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ (NMHP) ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૮૨માં લોકોને લઘુત્તમ માનસિક સ્વાસ્થ્ય સંભાળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક આરોગ્ય સંભાળમાં માનસિક આરોગ્ય સંભાળને સાંકળવાનો અને સામુદાયિક આરોગ્ય સંભાળ તરફ આગળ વધવાનો હતો. આ પછી વર્ષ ૨૦૧૪માં ૧૦ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય નીતિની જાહેર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application