ભારતે ગયા મહિને ચંદ્રયાન-3ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે Aditya-L1એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન-1 પોઈન્ટ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આ અંગે અપડેટ કર્યું છે કે Aditya-L1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેંગિયન-1 સુધી પહોંચી જશે. ISROના ચીફ એસ. સોમનાથે આ અંગે અપડેટ આપતા કહ્યું હતું કે, Aditya-L1 ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે અને હાલ પૃથ્વીથી L-1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 110 દિવસ લાગે છે એટલે જાન્યુઆરીના મધ્ય સુધીમાં આ L-1 પોઈન્ટ સુધી પહોંચી જશે અને બાદમાં L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન પોઈન્ટના હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. Aditya-L1 પર લાગેલા પેલોડ સૂર્ય પ્રકાશ, પ્લાઝમાં અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, ISROએ 2 સપ્ટેમ્બરે PSLV C57 લોન્ચ વ્હીકલથી Aditya-L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ આગળ વધશે. ISROએ કહ્યું હતું કે, Aditya-L1 તેની ભ્રમણ કક્ષા બદલીને આગલી ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું છે. Aditya-L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે અને આ સમયગાળા દરમિયાન તેની ભ્રમણકક્ષાને પાંચ વખત બદલવા માટે પૃથ્વી બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવશે. ભારતનું મહત્વાકાંક્ષી સુર્ય મિશન Aditya-L1 સૂર્યના વાતાવરણના સૌથી બહારના ભાગની રચના અને તેની ગરમીની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર વાવાઝોડાના કારણો અને ઉત્પત્તિ, સંરચના અને વેગનો અભ્યાસ કરશે. આ ઉપરાંત લૂપ પ્લાઝ્મા અને ઘનતાને અસર કરતા પરિબળો, કોરોનલ માસ ઇજેક્શનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને ગતિ સૌર પવનો અને અવકાશ હવામાનનો અભ્યાસ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500